હવે આ જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય બંધ, ST સ્કોલરશિપની જેમ પ્રવેશ બાદ સરકારનો ઠરાવ
AI IMAGE |
ST scholarship : સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી,પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે અપાતી સહાય મુદ્દે મહત્ત્વનો ઠરાવ કર્યો છે.જે મુજબ હવે આ વર્ષથી ડિપ્લોમા કોર્સીસમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ લેતા આ જાતિના વિદ્યાર્થીઓને આ સહાય નહીં આપવામા આવે.આ વિદ્યાર્થીઓને પીએમ યશસ્વી,એમવાયએસવાય સ્કોલરશિપનો અને ફૂડ સહાય તથા સાધન સહાય જ મળશે. સરકારે ડિપ્લોમા કોર્સસીમાં પ્રવેશ પ્રક્રિયા પુરી થવા આવી અને અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા છે ત્યારે આ નિર્ણય કરતા વિદ્યાર્થીઓ ફસાયા છે.
ડિપ્લોમા ઈજનેરી સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પુરી થવા આવી ત્યારે સરકારે નિર્ણય કરતા વિદ્યાર્થી ફસાયા
સરકારે ગત વર્ષે ખાનગી કોલેજોના મેનેજમેન્ટ ક્વોટા-વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ નહીં આપવાનો ઠરાવ જે રીતે પ્રવેશ પ્રક્રિયા પુરી થવા આવી ત્યારે કર્યો હતો તે જ રીતે હવે આ વર્ષે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ સહાય ન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ મુજબ આ વર્ષથી માત્ર યુજી અને પીજીમાં જ ખાનગી કોલેજોમાં અભ્યાસ બદલ વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને સહાય મળશે.જ્યારે રાજ્ય બહારની નેશનલ રેન્કિંગમાં ટોપ 100માં સ્થાન ધરાવતી હોય તેવી કોલેજમાં જ પ્રવેશ લેનારા વિદ્યાર્થીને સહાય મળશે.સરકારના નવા ઠરાવની જોગવાઈઓ મુજબ વિદ્યાર્થી જો અધવચ્ચેથી અભ્યાસ છોડી ફરી અભ્યાસ શરૂ કરે તો વધુમાં વધુ 3 વર્ષના ગેપને માન્ય રાખી સહાય અરજી મંજૂર કરાશે.
વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં અપાતી સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી તેમજ શિક્ષણ ફી પેટે વાલીની વાર્ષિક 2 લાખની આવક મર્યાદામાં સહાય આપવામા આવે છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન ફી,પરીક્ષા ફી અને શિક્ષણ ફી પેટે વાર્ષિક ખરેખર કુલ ફી કે વધુમાં વધુ 50 હજાર બંનેમાંથી ઓછુ હોય તેટલી શિષ્યવૃત્તિ રકમ ડાયરેક્ટ બેંકથી ટ્રાન્સફર કરાય છે.
સરકારના આ ઠરાવ મુજબ માત્ર યુજી-પીજીમાં જ સહાય આપવાની હોવાથી હવે ડિપ્લોમા કોર્સીસના વિદ્યાર્થીઓને સહાય નહીં મળે.ડિપ્લોમા ઈજનેરીમાં આ જાતિના દર વર્ષે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે ત્યારે આ વર્ષે અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા છે અને સરકારે આ સહાય બંધ કરતા અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે.કારણકે હવે ડિપ્લોમાના આ જાતિના વિદ્યાર્થીઓને પીએમ યશસ્વી યોજના ,એમવાયએસવાય અને ફૂડ સહાય તથા સાધન સહાય હેઠળ સહય મળશે.
પરંતુ હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા વિદ્યાર્થીઓને ફૂડ સહાયની જરૂર રહેતી નથી અને એમવાયએસવાયમાં પણ 80 ટકાથી વધુ હોય તેને જ સહાય મળે છે.આમ બાકીના વિદ્યાર્થીઓને 50 હજારની સહાયની સામે હવે ખૂબ જ ઓછી સહાય મળશે.જો કે જૂના એટલે કે અગાઉ પ્રવેશ લેનારા ડિપ્લોમા સ્ટુડન્સને 50 હજારની સહાય ચાલુ રહેશે.