Get The App

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ

વર્ષ ૨૦૧૯માં રાજપીપળા-પોઈચા રોડ પર એસ.ટી. બસ અને સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ 1 - image

વડોદરા : વર્ષ ૨૦૧૯માં રાજપીપળા-પોઈચા રોડ પર એસ.ટી. બસ અને સ્કુટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં શિક્ષિકાનું મોત થતા એસ.ટી. નિગમ સામે બે કરોડના વળતરનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ટ્રિબ્યુનલે એસ.ટી. નિગમને મૃતકના પરિવારજનોને વળતર પેટે ૯ ટકાના વ્યાજ સાથે રૃા.૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા.૯ જુલાઈ ૨૦૧૯ના રોજ સવારે ૧૦ વાગ્યે મહિલા શિક્ષીકા સંગીતાબહેન સ્કૂટર પર રાજપીપળા-પોઈચા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે ધનપુરના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવતી એસ.ટી. બસે તેમને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક વડોદરા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને તેમના આકસ્મિક નિધનથી પતિ અને બે સંતાનોએ આધાર સ્તંભ ગુમાવ્યો હતો.

બસના ડ્રાઇવરની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માત સર્જાતા એસ.ટી. નિગમ સામે બે કરોડના વળતરનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. વાદી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, શિક્ષીકાનો પ્રતિમાસ ૬૮,૮૬૫નો પગાર મેળવતા હતા અને અકસ્માત સંપૂર્ણપણે એસ.ટી. બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો હતો. સામા પક્ષે એસ.ટી. નિગમના વકીલે એવી દલીલ કરી હતી કે મૃતક પોતે રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને સામેથી ટ્રક આવતા ગભરાઈને બસ સાથે અથડાયા હતા, જેથી આમાં બસ ચાલકનો કોઈ વાંક નથી.

ટ્રિબ્યુનલે બંને પક્ષોની દલીલો અને પોલીસ પંચનામા તેમજ અકસ્માતના ફોટોગ્રાફ્સનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ ચૂકાદો આપ્યો હતો અને નોંધ્યું હતું કે,અકસ્માત સિંગલ પટ્ટી રોડ પર વળાંક પાસે થયો હતો, જ્યાં બંને વાહનચાલકોએ સાવચેતી રાખવી અનિવાર્ય હતી. ન્યાયાધીશે અવલોકન કર્યું કે એસ.ટી. ડ્રાઈવરે જાહેર પરિવહનનું વાહન ચલાવતી વખતે વધુ તકેદારી રાખવી જોઈતી હતી, તો સામે પક્ષે સ્કૂટર ચાલકે પણ સામેથી આવતા મોટા વાહનને ધ્યાને લેવું જોઈતું હતું. આ સંજોગોને ધ્યાને રાખીને કોર્ટે એસ.ટી. બસના ડ્રાઈવરને ૭૦ ટકા અને મૃતકને ૩૦ ટકા બેદરકાર ઠેરવ્યા હતા.

વળતરની ગણતરી કરતી વખતે કોર્ટે મૃતકની આયકર વિગતો (ફોર્મ ૧૬) ને ધ્યાને રાખી તેમની વાષક આવક રૃ. ૫.૭૬ લાખ ગણી હતી. જેમાં ભવિષ્યની આવકની સંભાવના પેટે ૩૦ ટકા રકમ ઉમેરી અને અંગત ખર્ચની બાદબાકી કરી કુલ રૃ. ૬૬.૬૩ લાખનું વળતર નિર્ધારિત કર્યું હતું. જોકે, મૃતકની પોતાની ૩૦  બેદરકારી હોવાથી તેટલી રકમ (આશરે રૃ. ૧૯.૯૯ લાખ) બાદ કરવામાં આવી હતી. અંતે કોર્ટે ચૂકવવાપાત્ર ચોખ્ખી રકમ રૃા. ૪૬,૬૪,૬૨૭ નક્કી કરી હતી. આમ, સાત વર્ષ લાંબી કાનૂની લડત બાદ પરિવારને  ન્યાય મળ્યો છે.