અમરેલી જિલ્લામાં આડેધડ પુલ બંધ કરાતાં ST બસો આવતી બંધ
વડોદરા પુલ દુર્ઘટના બાદ તંત્રની મનઘડત કાર્યરીતિ : રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકમાં વૈકલ્પિક વ્યવસ્થા વગર ભાવરડી અને સરાકડીયા પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત કરાતાં વિકટ સ્થિતિ
અમરેલી, : અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા અને જાફરાબાદ તાલુકાઓને જોડતા મુખ્ય નાગેશ્રી-ખાંભા રૂટ પરના બે રાજાશાહી વખતના પુલો ભાવરડી અને સરાકડીયા ને નેશનલ હાઈવે ઓથોરિટી, દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા (ડાયવર્ઝન) કર્યા વિના બંધ કરી દેવાતા આ રૂટ પરથી પસાર થતી ૨૫ જેટલા ગામોની એસટી બસ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આને કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
નાગેશ્રી-ખાંભા રૂટ રાજુલા, ખાંભા અને જાફરાબાદ તાલુકા માટે અત્યંત ઉપયોગી છે. આ રૂટ પરથી વાયા ડેડાણ, ત્રાકુડા, સોતરા, બારમણ, કંથારિયા, બારપટોળી, લોર, માણસા, એભલવડ, જીકાદરી, જાફરાબાદ, દુધાળા, વડેરા, કડીયાળી, ધોળાદ્રી સહિતના અનેક ગામોમાં એસટી બસોની અવરજવર થતી હતી. જોકે, નેશનલ હાઈવે કચેરી, ના કાર્યપાલક અને સબ ડિવિઝન દ્વારા આ પુલોને રાજાશાહી વખતના હોવાનું જણાવી બંધ કરી દેવાયા છે. ગ્રામજનોના મતે, ભાવરડીનો પુલ હજી એક કાંકરી પણ ખર્યા વિના અડીખમ છે, જ્યારે રાજુલાનો ઘાણાનો પુલ વધુ જર્જરિત હોવા છતાં તેને બંધ કરવામાં આવ્યો નથી. આ ભેદભાવભર્યા નિર્ણયથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુલ બંધ થવાના કારણે અમરેલી-જાફરાબાદ, રાજુલા-ખાંભા, રાજુલા-બારમણ, ખાંભા નાઈટ, અને નવી શરૂથયેલી બગસરા-મહુવા તથા ધારી-મહુવા જેવી એસટી બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બસો હવે ખાંભાથી વાયા આદસંગ, થોરડી, આગરીયા થઈ રાજુલા તરફથી ચાલી રહી છે, જેના પરિણામે મૂળ રૂટ પર આવતા ૨૫ ગામો એસટી સેવા વગરના થઈ ગયા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવરજવર કરવામાં અત્યંત મુશ્કેલી પડી રહી છે. જો આ રૂટ શરૂનહીં થાય તો ડેડાણ, બારમણ, ત્રાકુડા, કંથારીયા સહિતના ગામડાઓ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજુલા ડેપો ગ્રામ્ય વિસ્તારમાંથી રૂટ કાઢી, ખાંભા નાઈટ અને બગસરા-મહુવા જેવા રૂટોને ગ્રામ્ય વિસ્તારમાંથી ચલાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.