Gujarat
નડિયાદના રેલવે સ્ટેશન રોડ પર એસટી બસના ટાયર નીકળ્યા : બે કલાક ટ્રાફિકજામ
By GS TEAM
13 Nov 20251 min read

નડિયાદ: નડિયાદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર બુધવારે સાંજે ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. બસ સ્ટેશન સામેના શ્રેયસ ગરનાળા પાસે એસટી બસની એક્સેલ તૂટી જતાં ટાયર નીકળી ગયા અને બસ રોડની વચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. સાંજે ૫:૩૦ વાગ્યાથી શરૂ થયેલો ટ્રાફિક જામ સતત બે કલાક સુધી યથાવત રહ્યો હતો. નોકરી-ધંધા પરથી પરત ફરી રહેલા અને અન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ સ્થળ સંતરામ રોડ પરથી આવતા વાહનો, ફ્રીજ રોડ તરફથી શ્રેયસના ગરનાળા તરફ આવતા વાહનો અને મુખ્ય બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી બસો ત્રણેય માર્ગો ભેગા થતા હોવાથી સંખ્યાબંધ વાહનોનો જમાવડો થઈ ગયો હતો. એસટી વર્કશોપમાં જાણ કર્યા બાદ બસને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ટ્રાફિક નિયંત્રિત કરવામાં સ્થાનિક પોલીસ સહિતના તંત્રને પણ મુશ્કેલી પડી હતી. બે કલાકની જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત્ થયો હતો.








