Get The App

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ

વાપીથી ચાણસ્મા જતી બસમાં સવાર ૨૦ મુસાફરોને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

બસ ડ્રાઇવર સામે ગુનો દાખલ

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ 1 - image

 વડોદરા,વાપીથી ચાણસ્મા જતી એસ.ટી. બસ દેણા બ્રિજ નજીક રોડ પર ઊભેલી  ટ્રકમાં  મળસ્કે ચાર વાગ્યે પાછળથી ઘુસી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ૨૦  મુસાફરોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જે અંગે હરણી  પોલીસે એસ.ટી.બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.

ગઇકાલે રાતે ૧૦ વાગ્યે વાપીથી એસ.ટી. બસ ચાણસ્મા જવા માટે નીકળી હતી. મળસ્કે ચાર વાગ્યે બસ વડોદરા શહેરને અડીને  પસાર થતા હાઇવે પરથી જતી હતી.ગોલ્ડન બ્રિજ પસાર કરી દેણા બ્રિજ ચઢતા સમયે આગળ બંધ હાલતમાં ઊભેલી ટ્રકમાં એસ.ટી. બસ પાછળથી ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતના પગલે બસમાં ઊંઘતા મુસાફરો એકદમ જાગી ગયા હતા. અકસ્માત સમયે બસમાં મુસાફરી કરતા ૩૭ પૈકીના ૨૦ મુસાફરોને ઓછીવત્તી ઇજા થઇ હતી. અકસ્માતમાં ઘાયલ બસ  કંડક્ટરે ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓને પ્રાથમિક સારવાર પછી રજા આપી દેવામાં આવી હતી. અકસ્માતમાં એસ.ટી. બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. ઇજાગ્રસ્ત કંડક્ટર પ્રવિણકુમાર જેંતિલાલ કુંભારની ફરિયાદના આધારે હરણી પોલીસે બસ ડ્રાઇવર  જશુભાઇ ગોડાજીભાઇ ઠાકોર (રહે. ચાણસ્મા ગામ, જી.પાટણ) સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં કોઇનું મોત થયું નથી.



જી.ટી.યુ.ની પરીક્ષા આપવા જતા ૬ વિદ્યાર્થીઓને ઇજા

વડોદરા,

વલસાડ નજીકના અંબેઠી ગામમાં  રહેતો રાહુલ પટેલ અને અન્ય પાંચ વિદ્યાર્થીઓ જી.ટી.યુ.ની પરીક્ષા આપવા માટે વાપીથી મહેસાણા જિલ્લાના વડસ્મા ગામે જઇ  રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા. બે વિદ્યાર્થીઓને થોડી ઇજા થઇ હતી. આવતીકાલે  વિદ્યાર્થીઓની પરીક્ષા હોઇ તેઓને સારવાર પછી રજા આપવામાં આવતા પ્રાઇવેટ વ્હિકલમાં પરીક્ષા સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે  પહોંચી ગયા હતા.