એસ.ટી. બસ માટેનાં ડિઝલની ચોરીનાં કારસ્તાનનો પર્દાફાશ
રાજકોટમાં ટેન્કરમાંથી ડિઝલ ચોરતો ડ્રાઈવર રંગેહાથ ઝબ્બે
છેલ્લા બે થી ત્રણ વર્ષથી એસ.ટી. તંત્રમાં ડિઝલ ચોરીનું કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી
એસટીનાં વિજીલન્સ અધિકારી સંજયભાઈ લખતરીયાને એવી માહિતી મળી હતી કે, તેનાં વિભાગનાં કાર્યક્ષેત્રમાં આવતાં સુરેન્દ્રનગર ડેપો ખાતે ડિઝલનું ટેન્કર જવાનું છે. જેમાંથી ડિઝલની ચોરી થવાની છે. જેથી વોચ ગોઠવી દીધી હતી.
જામનગર રોડ પરનાં આઈઓસીનાં ડેપો ખાતેથી ટેન્કર રવાના થતા વોચ ગોઠવી દીધી હતી. ટેન્કર સુરેન્દ્રનગર નહીં જતાં મોચીનગર સોસાયટી-૧માં પહોંચ્યું હતું. ચાલકે એક મકાન પાસે ટેન્કર ઉભુ રાખી, માણસો બોલાવ્યા હતા.ં જે આવી જતાં જ ચાલકે ટેન્કરનું સીલ તોડી નાખ્યું હતું.
તે સાથે જ એક માણસ ટેન્કર ઉપર ચડી ગયો હતો અન ેતેની ચેમ્બરમાં નળી નાખી અંદાજે ૧૦૦થી ૧૫૦ લીટર ડિઝલની ચોરી કરી બેરલમાં ભરી લીધું હતુ.ં તત્કાળ વિજીલન્સની ટીમે ઉપરી અધિકારી, આઈઓસીના અધિકારીઓ અને પુરવઠા વિભાગને જાણ કરી હતી. તત્કાળ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસ આવી પહોંચી હતી. તે પહેલા જ ડીઝલ ચોરી કરતાં માણસો ભાગી ગયા હતાં. મોચીનગર સોસાયટી-૧માં આવેલા મકાનમાંથી પોલીસે ૧૦૦થી ૧૫૦ લીટર ડિઝલ કબ્જે કર્યું હતું. આ અંગે આઈઓસીનાં અધિકારીઓને ફરિયાદ આપવાનું જણાવાયું હતું. પરંતુ તેમણે ના પાડતા આખરે એસટીનાં વિજીલન્સ અધિકારી લખતરીયા ફરિયાદી બન્યા હતાં.
ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ એસટીનાં અધિકારીઓએ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી શરૂ કરી છે. એસટીનાં રાજકોટ ડિવિઝન હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર ડેપો આવે છે. જયાં રોજ સરેરાશ ૮થી ૯ ટેન્કરની જરૂર પડે છે. એટલું જ નહીં એસટીનાં વિજીલન્સ અધિકારીઓને ડિઝલ ચોરીનું આ કૌભાંડ છેલ્લા બેથી ત્રણ વર્ષથી ચાલતું હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે.
આ સ્થિતિમાં આ કૌભાંડને માત્ર ૧૦૦,૧૫૦ લીટર ડિઝલની ચોરી તરીકે નહીં લઈ પણ તેની ઝીણવટપૂર્વક પોલીસ તપાસ કરી મુખ્ય સુત્રધારો સુધી પહોંચે તે જરૂરી છે.