Gujarat

છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ

By GS TEAM
16 Feb 20261 min read
છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયા, વિદ્યાર્થિનીઓમાં રોષ

- જવાબદાર અધિકારીના ઉડાઉ જવાબથી કચવાટ

- ઓનલાઈન બસ દેખાડતી હોવા છતાં ટ્રીપ કેન્સલ કરવામાં આવતી હોવાની ફરિયાદ

તળાજા : તળાજા તાલુકાના જૂની છાપરી ગામે એસ.ટી. બસના ધાંધિયાથી વિદ્યાર્થિનીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે રજૂઆત કરવા જતાં જવાબદાર અધિકારીએ ઉડાઉ જવાબ આપતા કચવાટ ફેલાયો છે.

તળાજા એસ.ટી. ડેપોના અણધણ વહીવટના કારણે જૂની છાપરી ગામની વિદ્યાર્થિનીઓને દર શનિવારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બપોરે દોઢ વાગ્યાની બસ ઓનલાઈન દેખાડતી હોવા છતાં પણ ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. કોઈ આગેવાનો દોડી આવે તો એસ.ટી. તંત્ર દ્વારા તુરંત જ બસ મુકવામાં આવે છે. બસ કેન્સલ કરવા બાબતે ૨૦ જેટલી વિદ્યાર્થિનીઓ રજૂઆત કરવા ગઈ તો તેમને હાજીપરવાળી બસમાં બેસીને જવા જણાવવામાં આવ્યાની રાવ ઉઠી હતી. જેથી ગામના સામાજિક આગેવાને દોડી જઈ વિડીયો શરૂ કરતા અધિકારીએ ફેરવી તોળી વહેલા જવું હોય તો હાજીપરની બસમાં જવા કહ્યું હોવાનો બચાવ કર્યો હતો. એસ.ટી. બસના ધાંધિયાના કારણે જૂની છાપરી ગામના વિદ્યાર્થીઓને અવાર-નવાર હાલાકી પડતી હોય, કાયમી ઉકેલ લાવવા માંગણી ઉચ્ચારવામાં આવી છે.