Gujarat

કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે એસઆરપીનો હેડ કોન્સ્ટેબલ પકડાયો

By GS TEAM
19 Jun 20252 mins read
કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે એસઆરપીનો હેડ કોન્સ્ટેબલ પકડાયો

ગાંધીનગર નજીક આવેલા ચિલોડા પાસે

અન્ય એક સાગરીતને પકડી ૬.૮૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો ઃ એકની શોધખોળ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચિલોડા હાઇવે ઉપર ગઈકાલે એલસીબી દ્વારા વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લેવામાં આવી હતી અને તેમાં સવાર એસઆરપીના હેડ કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને દારૃ તેમજ કાર મળીને ૬.૮૧ લાખ રૃપિયાનો મુદ્દામાંલ કબજે કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં એલસીબી ટુ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે વોચ ગોઠવીને આ કારને ઝડપી લેવામાં આવી હતી અને જેના ચાલકની પૂછપરછ કરવામાં આવતા તે અમદાવાદના નવા નરોડા ખાતે દેવરાજ રેસીડેન્સીમાં રહેતો અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો કમલેશકુમાર અંબાલાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા શખ્સની પૂછપરછ કરવામાં આવતા તે અરવલ્લીના કાચા ગામનો ભુપેન્દ્ર બાબુભાઈ સોલંકી હવાનું ખુલ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. જેથી ૩૪૮ જેટલી આ બોટલ અને કાર તેમજ મોબાઇલ મળીને ૬.૮૧ લાખ રૃપિયાનો મુદ્દામાંલ જપ્ત કરવામાં આવ્યો હતો. કમલેશ મહેસાણા ખાતે એસઆરપી ગુ્રપમાં ફરજ બજાવતો હોવાનું અને હાલમાં સીક લીવ ઉપર હોવાનું બહાર આવ્યું હતું. આ વિદેશી દારૃનો જથ્થો તેઓ તલૈયા ગામથી લાવ્યા હતા અને તેને નરોડા ખાતે રહેતા ભાવેશ વણઝારાને આપવાનો હોવાનું પણ જાણવા મળ્યું હતું.