શ્રીરંગપાર્ક સોસા. આગળ નમી ગયેલા વૃક્ષ પાસેથી વીજ વાયરો હટાવાયા
- ધોળકાના ચંડીસર રોડ પર આવેલી
ધોળકા : ધોળકાના ચંડીસર રોડ ઉપર આવેલી શ્રીરંગપાર્ક સોસાયટીની દિવાલને અડીને તથા જાહેર માર્ગ ઉપર એક વર્ષો જુનુ ખીજડાનું વૃક્ષ સોસાટી તરફ નમી ગયું હતું. આ જોખમી વૃક્ષ ક્યારે પડશે તે કળી શકાય તેમ નથી એટલું જ નહીં આ વૃક્ષની ડાળીઓમાં થઇ જીવંત વીજ વાયરો પસાર થઇ રહ્યાં છે. આથી હાલ વરસાદી વાતાવરણમાં પવનના જોરે જો આ જોખમી વૃક્ષ પડે તો જાનહાની થઇ શકે તેવી શક્યતા દેખાઇ રહી છે. આ સમસ્યા અંગે અવારનવાર પાલિકા તંત્ર અને વીજતંત્રને રજૂઆત કરી હતી પરંતુ કોઇ ઉકેલ આવ્યો નહતો. આ અંગેનો અહેવાલ સમાચારપત્રમાં પ્રસિદ્ધ થતાં ગુરૂવારના રોજ વીજ તંત્ર દ્વારા ખીજડાના વૃક્ષની ડાળીઓમાંથી પ્લાસ્ટિક કોડેડ વાયરો નાખવામાં આવ્યા હતા અને ઝાડ સરળતાથી કાપી શકાય તેવી વ્યવસ્થા કરી હતી. ત્યારે હવે આ જોખમી વૃક્ષને જોખમ રહિતની કામગીરી સંબંધિત તંત્ર ક્યારે કામગીરી કરેે છે તેની સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહન ચાલકો જોઇ રહ્યાં છે.