Get The App

SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ની કામગીરી શરુ થાય એ પહેલાં ડાયરેકટર પદેથી હાલના હોદ્દેદારોને દુર કરાશે

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા 1 - image

અમદાવાદ,મંગળવાર,13 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપની રાજય સરકાર દ્વારા સંપૂર્ણપણે પોતાના હસ્તગત કરવામા આવે તેવી સંભાવના વ્યકત કરવામા આવી રહી છે. હાલમા કંપની દ્વારા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-ટુ અંતર્ગત કામગીરી કરાઈ રહી છે. ફેઝ-૩ની કામગીરી શરુ થાય એ પહેલાં સરકાર આ કંપની પોતાના હસ્તક લઈ સંચાલન કરે એવી પ્રબળ સંભાવના વ્યકત કરાઈ રહી છે.કંપનીના એકિઝકયુટિવ ડિરેકટર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના બદલે સરકારના આઈ.એ.એસ. અધિકારીને મુકવા વિચારણા ચાલી રહી છે. ફેઝ-૩ની કામગીરી શરુ થાય એ પહેલા ડાયરેકટર તરીકે સમાવાયેલા મેયર ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વિપક્ષનેતાને હોદ્દા ઉપરથી દુર કરી સરકારી અધિકારીઓની નિમણૂંક કરાશે.

સાબરમતી રિવરફ્રન્ટની કામગીરી શરુ કરવામા આવી એ સમયથી અત્યારસુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપનીને દર વર્ષે કરોડો રુપિયા લોન પેટે આપવામા આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામા આવેલી લોનમાંથી ફેઝ-વન અને ફેઝ-ટુ સહિત અન્ય પ્રોજેકટ તથા તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.૩૧ માર્ચ-૨૦૨૫ સુધીમાં કુલ રુપિયા ૨૧૨૮ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે.કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૦૪માં કંપનીની રચના કરવામા આવી હતી.જેમાં ફેઝ-વનનુ નિર્માણ કરી વર્ષ-૨૦૧૧માં ખુલ્લો મુકવામા આવ્યો હતો.ફેઝ-વનમાં મલ્ટિલેવલ પાર્કિંગ, ફલાવરપાર્ક, સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક, ગુર્જરી બજાર, ઈવેન્ટ સેન્ટર સહિતના પ્રોજેકટ પુરા કરાયા હતા.હાલમાં ફેઝ-ટુની કામગીરી ચાલી રહી છે.જેની પાછળ રુપિયા ૮૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.આ સિવાય કંપનીએ  ફેઝ-૩ના ડેવલપમેન્ટ માટે રુપિયા એક હજાર કરોડના ખર્ચનો અંદાજ મુકયો છે.કોર્પોરેશન દ્વારા કંપનીને દર વર્ષે અંદાજે રુપિયા ૨૫૦થી ૩૦૦ કરોડ કંપનીને લોન આપવામા આવે છે. ૩૧ માર્ચ-૨૦૨૫ની સ્થિતિએ કંપની ઉપર રુપિયા ૧૮૦૫.૮૫ કરોડનુ દેવુ છે.હવે આ કંપની સરકાર પોતાના હસ્તક કરશે જેથી કંપનીનુ કદ વધશે.

સરકાર ગાંધીનગર સુધી રિવરફ્રન્ટનો વિકાસ કરશે

રાજય સરકાર દ્વારા પહેલા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩થી આગળના વિકાસ માટે નવી કંપની બનાવવા આયોજન કરાયુ હતુ.પણ હવે નવી કંપની બનાવવાના બદલે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને જ હસ્તગત કરવાની વિચારણા ચાલી રહી છે.

કંપનીના માળખામા કોની બાદબાકી-કોણ ઉમેરાશે

રાજય સરકાર આ કંપનીમાં ચેરમેન તરીકે નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારીની નિમણૂંક કરે છે.મેનેજિંગ ડિરેકટર તરીકે  અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, એકઝિકયુટીવ ડિરેકટર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, બે ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર મુકવામા આવે છે.જયારે નોન એકિઝીકયુટીવ ડાયરેકટર તરીકે મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,વિપક્ષ નેતા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ફાયનાન્સ) તથા અમદાવાદના કલેકટરની નિમણૂંક કરવામા આવે છે.હાલમા કંપનીના ચેરમેન સહિત કુલ ૧૦ ડિરેકટર છે. રાજય સરકાર કંપનીમા પોતાના એકઝીકયુટીવ ડાયરેકટર  અને નોન એકિઝીકયુટીવ ડિરેકટર તરીકે અધિકારીઓની નિમણૂંક કરે એવી સંભાવના વ્યકત કરવામા આવી રહી છે.