Gujarat

અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે

By GS TEAM
10 Dec 20252 mins read
અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું  વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે

વડોદરા, તા.10 શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ પાસે ગઇસાંજે એક લક્ઝરી બસે વૃધ્ધ દંપતીને અડફેટમાં લેતા વૃધ્ધાનું બસના તોતિંગ પૈડા નીચે કચડાઇને થયેલા કરૃણ મૃત્યુની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આ જંક્શન પર ટ્રાફિકને સરળતા રહે તે માટે હાલમાં સ્પ્રિંગ પોસ્ટ નાખવાનું આયોજન હાથ ધરાયું છે. આ સાથે આ જંક્શન પર વધુ ટ્રાફિક રહેતો  હોવાથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ થઇ રહી છે.

ગઇકાલે પતિ અને પત્ની બંને કારેલીબાગ ખાતે દવાખાનામાં જતા હતા ત્યારે ભર ટ્રાફિકમાં કરૃણ દુર્ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ રોડ પર સતત અને ભારે ટ્રાફિક રહેતો  હોવાથી ટ્રાફિકની મુવમેન્ટ સરળ રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. જે પૈકી આજે પ્રથમ તબક્કામાં વુડા સર્કલની ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે માટેની કામગીરી આજથી શરૃ કરી દેવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું  હતું કે જમણી બાજુના વાહનો જમણી બાજુ તેમજ ડાબી બાજુના વાહનો ડાબી બાજુથી પસાર થઇ શકે તે માટેની આ વ્યવસ્થા છે. જેનાથી ટ્રાફિકને અવરજવર કરવામાં સરળતા રહેશે. પહેલી પ્રાથમિકતા રૃપે ટ્રાફિક એક જ સ્થળે બ્લોક ના થાય તેનું આયોજન હાથ ધરાયું છે. કાલે ગુરુવારે સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

માત્ર વુડા સર્કલ પાસે જ નહી પરંતુ આ પ્રકારનું આયોજન સોમાતળાવ ચાર રસ્તા પાસે પણ હાથ ધરાશે. આ સ્થળ પર પણ ભારે ટ્રાફિકની સમસ્યા હોય છે જેના કારણે હંમેશા તે સ્થળે ટ્રાફિકજામ સર્જાતો રહેતો હોય છે. જો કે આ ચોકડી પર ખાનગી વાહનોના પાર્કિગનો પણ ત્રાસ ખૂબ જ હોય છે, ખરેખર તે સમસ્યાને પણ દૂર કરવી જોઇએ.