ખેલ મહાકુંભનું આયોજન કરાય છે પરંતુ ખેલાડીઓને સરકારી નોકરી અપાતી નથી
- સ્પોર્ટસ કોટામાં ભરતી નહીં કરાતા સારા ખેલાડીઓને અન્યાય
- ખેલાડીઓના હિતમાં રાજ્ય સરકારે જુદા જુદા સરકારી વિભાગમાં સ્પોર્ટસ કોટા પર ભરતી કરવી જરૂરી
ગુજરાત સરકાર દ્વારા રમત-ગમતનુ મહત્વ વધારવા માટે અને લોકો રમત પ્રત્યે જાગૃત થાય તે માટે કેટલાક વર્ષથી ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને સરકારી નોકરી મળે તેવુ આયોજન કરાતુ નથી. વર્ષો પહેલા સ્પોર્ટસ કોટામાં પોલીસમાં ખેલાડીઓની ભરતી કરવામાં આવતી હતી તેથી ખેલાડીઓને સરકારી નોકરી મળતી હતી તેવી લોકમુખે ચર્ચા સાંભળવા મળી છે. સરકારી નોકરી મળતા ખેલાડીઓનો ઉત્સાહ વધતો હતો પરંતુ હાલ ઘણા વર્ષોથી સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી તેથી ખેલાડીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્પોર્ટસ કોટામાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહીં કરાતા ખેલાડીઓની હાલત કફોડી થઈ છે. હવે પોલીસની ભરતીમાં રમતના પ્રમાણપત્રના થોડાક માર્કસ મળે છે પરંતુ ખેલાડીને સ્પોર્ટસ કોટામાં લેવામાં આવતા નથી તેથી ખેલાડીઓ કચવાટ કરતા નજરે પડે છે. ખેલાડીઓને સરકારી નોકરી મળે તો ખેલાડી રમત સાથે જોડાયેલો રહે છે અને તેને ભવિષ્યની ચિંતા રહેતી નથી ત્યારે રાજ્ય સરકારે ખેલાડીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે તેમ રમત પ્રેમીઓમાં ચર્ચાય રહ્યુ છે.
કેન્દ્ર સરકારના રેલવે સહિતના વિભાગમાં સ્પોર્ટસ કોટામાં ભરતી થાય છે
કેન્દ્ર સરકારના રેલવે, ઈન્કમ ટેકસ, પોસ્ટ, સેના વગેરે કેટલાક વિભાગમાં સ્પોર્ટસ કોટા પર ભરતી કરાય છે પરંતુ તેમાં ખુબ જ ઓછી જગ્યા હોય છે તેથી ઘણા ખેલાડીઓનો વારો આવતો નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ જુદા જુદા સરકારી વિભાગમાં ખેલાડીઓની સ્પોર્ટસ કોટા હેઠળ ભરતી કરવામાં આવે તો ખેલાડીઓને ફાયદો થઈ શકે તેમ છે. હાલ ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે ખેલાડીઓના હિતમાં નિર્ણય લે તેવી ખેલાડીઓની માંગણી છે.
સરકારી નોકરી નહીં મળતા ખેલાડીઓ મેદાન છોડી દેતા હોય છે
ભાવનગર સહિત રાજ્યભરમાં ક્રિકેટ, બાસ્કેટબોલ, ફૂટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, કબડ્ડી, ખો-ખો, હોકી, ટેબલ ટેનિસ, બેડમિંન્ટન, એથ્લેટીક્સ સહિતની રમતના સાથે જોડાયેલા અને નેશનલ પણ રમેલા ખેલાડીઓને સરકારી નહીં મળતા તેઓ એક ઉંમરે મેદાન છોડી દેતા હોય છે. સરકારી નોકરી નહીં મળતા સારા ખેલાડીઓ ઘરનુ ગુજરાન ચલાવવા ખાનગી નોકરી કરવી પડે છે અથવા ધંધો કરવો પડે છે.