વડોદરામાં ફતેગંજ અને હરીનગર ઓવર બ્રિજ નીચે બાળકો માટે રમતગમતની પ્રવૃત્તિ શરૂ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ અને હરીનગર ઓવર બ્રિજ નીચે બાળકોના રમતગમત સંકુલના સંચાલન અને નિભાવણી માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી ઓફરો મંગાવી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પાંચ-પાંચ કરોડના ખર્ચે બંને બ્રિજ નીચે રમતગમત સંકુલ ઘણા વખતથી બનાવી રાખ્યા છે, પરંતુ તેનો ઉપયોગ નહીં થતો હોવાથી હાલ ત્યાં મુકેલા સાધનો પડી રહ્યા છે. અહીં બાળકોને ઇન્ડોર રમતગમતની સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવવામાં આવશે. જો આ પ્રયોગ અહીં સફળ રહેશે કોર્પોરેશન લાલબાગ અને અમિતનગર બ્રિજ નીચે પણ આ પ્રકારના સંકુલ બનાવવા માંગે છે. જેની જાહેરાત કોર્પોરેશનના બજેટ વખતે કરવામાં આવી હતી.
કોર્પોરેશન દ્વારા 20થી વધુ બ્રિજ બનાવ્યા છે, અને બ્રિજ નીચેની જગ્યાનો ઉપયોગ થઈ શકે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરવા કોર્પોરેશનના અગાઉના બજેટમાં એક કરોડનો ખર્ચ અંદાજ્યો હતો. શહેરમાં ઓવર બ્રિજ નીચે ગંદકી અને દબાણો દૂર થાય તે માટે બ્રિજની નીચેની જગ્યા ડેવલપ કરી ત્યાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ટાઉન પ્લાનિંગ સમિતિમાં અગાઉ એક દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જેના આધારે આ પ્રકારના રમત ગમત સંકુલ બનાવાયા છે. ઓવર બ્રીજ નીચેની જગ્યામા ભિક્ષુકો, શ્રમજીવીઓ, ફુગ્ગાવાળાઓ અને બે ઘર લોકો ઉપરાંત ઢોરોનો જમેલો હોય છે. જેઓ સતત ગંદકી ફેલાવતા રહે છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પર બ્રિજ નીચે બાળકોને આવવા જવા માટે રોડ ક્રોસ કરવાથી અકસ્માતનું જોખમ રહેશે તેવો ભય સામાજિક કાર્યકરોએ અગાઉ વ્યક્ત કર્યો હતો. રસ ધરાવતી સંસ્થાઓને પોતાના બીડ તારીખ 16 સપ્ટેમ્બર સુધી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ટુરિસ્ટ)ને પહોંચતા કરવા જણાવ્યું છે.








