સુરતના મસાલાના વેપારીને સસ્તામાં હીરાની લાલચ આપી નેપાળ બોલાવી બંધક બનાવી રૂ. 7.56 લાખની લૂંટ
Image Source: Freepik
વેપારી અને તેના મિત્રની સુરતથી દિલ્હી અને ત્યાંથી લખનઉની એર ટિકીટ તથા ત્યાંથી બાય રોડ નેપાળ લઇ જઇ ખેલ કર્યો
સુરત, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
ઉત્રાણમાં રહેતા મસાલાના વેપારીને સસ્તામાં હીરા અપાવવાની લાલચ આપી ઠગબાજે નેપાળ બોલાવી વેપારી અને તેના મિત્રને બંધક બનાવી માર મારી રૂ. 7.56 લાખ પડાવી લીધાની ચોંકાવનારી ઘટના ઉત્રાણ પોલીસના ચોપડે નોંધાય છે.
ઉત્રાણના સિલ્વર પેલેસની બાજુમાં પાર્ક એવન્યુ ખાતે રહેતા મૂળ ભાવનગરના ઉમરાળાના કેરીયા ગામના વતની અલ્પેશ બાબુભાઈ કાકડીયા (ઉ.વ.૩૩) દુબઇ ખાતે ગ્રોસરી અને મરી મસાલાનો ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર કરે છે.
ગત 3 ઓકટોબરના રોજ મિત્રોને મળવા સીમાડા જઇ રહ્યો હતો ત્યારે રોહીત ચંદ્રકાંત રંગાણી (રહે. વ્રજભુમી, સીમાડા) એ વોટ્સઅપ કોલ કરી તમારા મિત્ર કૌશિક ચોવડીયાએ નંબર આપ્યો છે, તમે પહેલા હીરાનું કામ કરતા હતા તો બોમ્બેની પાર્ટી ઉઠીને નેપાળ આવેલ છે. અને તેમની પાસે 50 થી 60 લાખનો માલ સસ્તામાં વેચવાનો છે તો તમે માલ જોવા બોલાવ્યો હતો. શરૂઆતમાં અલ્પેશે ટાઇમ નથી એવું કહી વાત ટાળી હતી પરંતુ ત્યાર બાદ પુનઃ કોલ આવ્યો એટલે હીરા જોવા આવશે તેવી તૈયારી દર્શાવી હતી. જેને પગલે રોહિતે ફોન કટ કરી નાંખ્યો હતો ત્યારબાદ તેના મિત્ર કૌશિકને ફોન કરી પુછતા તેણે એક જણાને નંબર આપ્યો હોવાનુ કહ્યું હતું. ત્યારબાદ પુનઃ ફોન આવ્યો હતો અને આપણી અગાઉ વાત થઈ હોવાનુ કહી વેપારી નેપાળથી જતો રહેવાનો છે તુ ઉતાવળ રાખીને આવ માલ સારો છે અને પૈસા સારા મળે એમ કહ્યું હતું અને ફરીથી ૮મી ઓક્ટોબરના રોજ ફોન કરી હું તારી ટીકીટ બુક કરાવી દઉં છું તુ મારી સાથે તારો કોઈ ફ્રેન્ડને લેતો આવજો તમારા બન્નેની ટીકીટ બુક કરાવી આપુ કહી અલ્પેશ અને તેના મિત્ર નીરવની સુરતથી દિલ્હી અને ત્યાંથી લખનઉની ટિકીટ બુક કરાવી હતી. લખનઉથી બાય રોડ બંને મિત્રને નેપાળના નેપાળગંજ ખાતે આવેલી સોસાયટીના એક મકાનમાં લઈ જઇ પાંચેક સાથીદાર સાથે મળી બંને મિત્રોને બંધક બનાવી મારમારી અલ્પેશ અને તેના મિત્ર નિરવ પાસેથી રૂ. 1.31 લાખ અને સંબંધી તથા મિત્રો પાસેથી રૂ. 6.25 લાખ મળી કુલ રૂ. 7.56 લાખ લૂંટી લીધા હતા.