હાર્દિક બાદ લાલજી પટેલ સરકાર સામે મેદાને, ઉમિયાધામે આપી આવી પ્રતિક્રિયા
અમદાવાદ, તા. 15. સપ્ટેમ્બર 2018 શનિવાર
હાર્દિક પટેલ બાદ હવે પાટીદાર આગેવાન અને એસપીજીના નેતા લાલજી પટેલ સરકાર સામે મેદાનમાં આવ્યા છે.
રુપાણી સરકારને તેમણે ચીમકી આપી છે કે 10 દિવસમાં પાટીદારો અંગે નક્કર જાહેરાત નહી કરવામાં આવી તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ થશે. 72 કલાકની અમે આપેલી મુદત પુરી થઈ ગઈ છે. જેના પગલે સરકારનો વિરોધ શરૂ કરવામાં આવશે. રવિવારે બનાસકાંઠામાં કાર્યક્રમ યોજાશે.
તેમણે કહ્યુ હતુ કે 2017માં જે ભૂલો થઈ હતી તે ફરી નહી કરીએ. સાબરકાંઠામાં પાટીદારોનુ મહાસંમેલન યોજશે તેમજ સૌરાષ્ટ્ર, સુરત, મહેસાણામાં પણ પાટીદારોના સંમેલનોનુ આયોજન કરવામાં આવશે.
તેમણે માંગ કરી હતી કે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાને જેલમુક્ત કરવામાં આવે. જો સરકાર આ માંગણી નહી માને તો પાટીદારો જેલભરો આંદોલન કરશે. સમાજની 6 સંસ્થાઓ હવે ભેગી થઈ છે અને તેના કારણે આંદોલન વધારે વેગીલુ બનશે.
લાલજી પટેલે કહ્યુ હતુ કે મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. પાટીદારોને અનામત મળે તે માટેની લડત છે. જે સમાજને અનામત નથી મળી રહી તે સમાજને પણ અમે મળીશું.
જોકે લાલજી પટેલના એલાન બાદ રાજકોટમાં ઉમિયાધામ,સિદસરના ઉપપ્રમુખ જેરામ પટેલે પત્રકાર પરિષદમાં અપીલ કરી હીત કે એસપીજી અત્યારે કોઈ કાર્યક્રમ ના આપે. જે પણ મુદ્દા છે. તે પાટીદારોની સંસ્થા સમક્ષ રજૂ કરે અને તેની શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરે. રાજ્યમાં અશાંતિ ના ફેલાય તેનુ ધ્યાન રાખવામાં આવે.