Gujarat

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે

By GS TEAM
12 Nov 20251 min read
ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે

- 19 મીએ ભાવનગરથી અને 21 મીએ પાલિતાણાથી ટ્રેન ઉપડશે

- બન્ને દિશામાં ટ્રેનને 15 સ્ટેશનમાં હોલ્ટ અપાયો, મુસાફરી માટે ભાડું વધુ ચૂકવવું પડશે

ભાવનગર : ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે આગામી સપ્તાહમાં વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

યાત્રિકોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાને રાખી પશ્ચિમ રેલવેએ તા.૧૯-૧૧ના રોજ ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ તેમજ ૨૧મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવા નિર્ણય લીધો છે. ૧૯મીએ ભાવનગરથી આ ટ્રેન રાત્રે ૯-૨૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૧૧-૨૦ કલાકે બાંદ્રા પહોંચશે. પાલિતાણાથી રાત્રે ૮ કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે ૧૦ કલાકે બાંદ્રા પહોંચશે. તેવી જ રીતે બાંદ્રાથી ભાવનગર માટે તા.૨૧-૧૧ના રોજ બપોરે ૧૨-૪૫ કલાકે ટ્રેન ઉપડી બીજા દિવસે સવારે ૪-૪૫ કલાકે ભાવનગર આવશે. ૨૦મીએ બપોરે ૨-૩૦ કલાકે બાંદ્રાથી ટ્રેન ઉપડી બીજા દિવસે સવારે ૬ વાગ્યે પાલિતાણા પહોંચશે. બન્ને દિશામાં વિશેષ ટ્રેન ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. તમામ ટ્રેનોની ટિકિટ બુકિંગ તા.૧૩-૧૧થી શરૂ થશે. સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે યાત્રિકોએ વધુ ભાડું ચૂકવવું પડશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ ઉપલબ્ધ રહેશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.