વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા - કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે
આગામી તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલ્વેનો મહત્વપૂર્ણ નિર્ણય
વડોદરા - કોલકાતા અને કોલકાતા - વડોદરા સાપ્તાહિક સ્પેશિયલ 18 ફેરા મારશે
પશ્ચિમ રેલવે દ્વારા દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વે વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરાથી 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર દરમ્યાન વડોદરા - કોલકાતા વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સપ્તાહમાં એક વખત આ ટ્રેન ચલાવવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, ટ્રેન નં. 03110 વડોદરા - કોલકાતા સ્પેશિયલ દર ગુરુવારે વડોદરાથી સાંજે 4:45 વાગ્યે ઉપડશે અને શનિવારે સવારે 04:05 વાગ્યે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 03109 કોલકાતા - વડોદરા સ્પેશિયલ દર મંગળવારે કોલકાતાથી સવારે 08:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:45 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન 30 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર શહેર, પ્રયાગરાજ, ઝાઝા, દુર્ગાપુર સહિતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનોમાં એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા રહેશે. આ ટ્રેનોનું બુકિંગ 30 ઓગસ્ટથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.