વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ : 161 ખુદાબક્ષો ઝડપાયા, રૂ.50 હજાર દંડ વસુલ કર્યો

Vadodara Railway Station : વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ હાથ ધરાતા એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ વગર તથા રેલવે નિયમોનો ઉલ્લેખન કરનાર બેદરકારો સામે કાર્યવાહી થઈ હતી. આ કાર્યવાહીમાં આરપીએફ અને જીઆરપીની ટીમો પણ જોડાઈ હતી.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (રેલવે), વડોદરાની સૂચનાથી વડોદરા રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે તા.19/11/2025ના રોજ સ્પેશિયલ ચેકિંગ કરાયું હતું. આ ચેકિંગ દરમિયાન પેસેન્જર ટ્રેન એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા ખુદાબક્ષો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે તેઓને આગામી તા.13 ડિસેમ્બરે આયોજિત લોકઅદાલત અંગે પણ સમજ આપી હતી. ટિકિટ વગરના મુસાફરો ઉપરાંત, મહિલા અને વિકલાંગ કોચમાં પ્રવેશ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરાઈ હતી. આ ચેકિંગ દરમ્યાન, રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરનાર કુલ 161 મુસાફરોને ઝડપી પાડી તેઓની પાસેથી કુલ રૂ.50,115 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સ્પેશ્યલ ચેકિંગમાં રેલવે મેજિસ્ટ્રેટ એ.આર.ગોરની સાથે રેલવ કોર્ટ વડોદરાના સ્ટાફના સભ્યો, પ્રોસિક્યુશન સ્કવોડ વડોદરાના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર પી.કે.ઝા અને તેમની ટીમ તેમજ રેલવે પોલીસ ફોર્સ વડોદરા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

