Jamnagar Police : જામનગર જિલ્લાના એસ.પી. ડો.રવિ મોહન સૈનીની આગેવાની હેઠળ ચાર ડી.વાય.એસ.પી. તથા અન્ય પોલીસ અધિકારીઓ સહિત કુલ 700 જેટલા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં 27 ફાર્મ હાઉસ ચેક કરવામાં આવ્યા હતા, જયારે 11 રિસોર્ટ ચેક કરાયા હતા.
શહેર જિલ્લાના કુલ 17 હોટલ ધાબા અને 46 ગેસ્ટ હાઉસને ચેક કરી લેવાયા હતા. બે ટુરિસ્ટ પોઇન્ટ ઉપર ચેકિંગને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે જે જાહેર સ્થળે લોકોની ખૂબ જ હાજરી હોય તેવી 34 જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેર જિલ્લામાં જુદી જુદી 19 ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી, જે તમામ સ્થળો પર વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી, અને નશો કરીને નિકરનારાઓ માટે બ્રિથ એનેલાઈઝર મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જામનગર નજીકના બે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ અન્ય 42 જેટલા જાહેર સ્થળો, અને 21 અવાવરું જગ્યાઓ ઉપર પણ ચેકિંગની કાર્યવાહી ધરવામાં આવી હતી. 31મી ડિસેમ્બરની રાત્રે દારૂનો નશો કરીને નીકળ્યા હોય તેવા 16 વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા, ઉપરાંત 30 જેટલા દારૂ અંગેના કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે બે વ્યક્તિ હથિયાર સાથે નીકળ્યા હોવાથી તે અંગેના પણ કેસ કરવામાં આવ્યા હતા.
મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ ગત રાત્રે કુલ 34 વાહનો કલમ 207 મુજબ ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા. જ્યારે 347 વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત એમવી એકટના 15 એન.સી. કેસ કરવામાં આવ્યા હતા. કુલ સમગ્ર જિલ્લામાં 2292 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક વાહન ચાલકો નિયમ ભંગ બદલ પકડાયા હતા, તેઓને પાસેથી 1,50,500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.


