અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ, બે મહિલા ઝડપાઈ, સંચાલક ફરાર
Ankleshwar News : અંકલેશ્વરના તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ કરી બે મહિલાને ઝડપી પાડી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગઈકાલે સાંજે ભરૂચ એએચટીયુ (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ )ને માહિતી સાંપડી હતી કે, અંકલેશ્વર હાસોટ રોડ ખાતે આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ક્વીન ફેબ ફેમિલી થાય સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે. જેના આધારે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દરોડો પાડતા રિસેપ્શન પર નીલમબેન સંજયભાઈ રાણા (રહે-ક્વીન ફેબ ફેમિલી સ્પા/મૂળ રહે-દિલ્હી) હાજર હતી. જ્યારે રૂમમાંથી ડમી ગ્રાહક સાથેની મહારાષ્ટ્રની મહિલા કઢંગી હાલતમાં મળી આવી હતી. મહિલા આરોપી નીલમબેનએ સ્પાના સંચાલક સોયેબ અબ્દુલ ફારુક (રહે-સર્વોદય નગર, આમોલી, અંકલેશ્વર) હોવાનું જણાવ્યું હતું. અન્ય એક યુવતીએ સ્પામા મસાજ માટે આવતા ગ્રાહકો પાસેથી મસાજના રૂ.1હજાર તથા શરીરસુખના રૂ.1500 લેતા હોવાની કબુલાત કરી હતી. સ્પાના કાઉન્ટરમાંથી રૂ.2210, પર્સમાંથી રૂ.3600, મસાજ કરનાર મહિલા પાસેથી રૂ.1500, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.14,810ની મત્તા જપ્ત કરી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.