દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજૂ પણ ભારે વરસાદની આગાહી, જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી
આવતીકાલે વરસાદની તીવ્રતા ઘટી જવાનું અનુમાન
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ ધોધમાર વરસાદ એક સપ્તાહથી વરસી રહ્યો છે ત્યારે નવ વર્ષમાં જૂન મહિનાનો રેકોર્ડ બ્રેક 9.71 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હજૂ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂલાઈ માસમાં સારા વરસાદની આગાહી
રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો જેમા અમરેલી, જૂનાગઢ અને વલસાડ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે તેમજ આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે અને સાયક્લોનિક સરક્યુલેશન તેમજ લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે જેને પગલે 1 જૂનથી 1 જૂલાઈ સુધી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં જુલાઈ માસમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદે જૂનાગઢ, જામનગર અને નવસારી તેમજ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હવે સાબરકાંઠા ત્રણ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ 4થી જુલાઈએ વરસાદની સંભવાન નથી જ્યારે પાંચમી જુલાઈએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું
ગઈકાલે રાજ્યના પાંચ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં અમરેલી, જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે આ સાથે સુરતમાં અને દેવભૂમી દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જો કે વરસાદની તીવ્રતા આવતીકાલે ઘટી જશે તેવું અનુમાન છે.