ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીએ શપથ લીધા
રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા
અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સોનિયાબેન ગોકાણીની નિમણૂંક
જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેમણી નિમણૂંક 17 ફેબ્રુઆરી 2011ના રોજ કરવામાં આવી હતી અને 25 ફેબ્રુઆરી 2023ના રોજ તેઓ નિવૃત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર જારી કરી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિમણૂંક કરવામાં આવી છે. જોકે, સોનિયાબેન ગોકાણી 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શકશે કેમ કે, વય મર્યાદાના કારણે 24 ફેબ્રુઆરીએ નિવૃત થઈ રહ્યા છે.