ફ્લેટના હપ્તા ચડી ગયા, વેચવા કાઢ્યો તો તેમાં પણ મંદી : યુવાન પુત્ર એક માસ પહેલાં પોતાના માટે ઝેર લઈ આવ્યો હતો : પછી બધાએ સાથે પી લેતાં સિવિલ હોસ્પિટલે દાખલ
રાજકોટ, : રાજકોટમાં અબજોના ધંધા-ઉદ્યોગો,રોકાણોની બીજી તરફ અનેક પરિવારોને બે છેડાં પૂરા કરવામાં હજારો રૂ।.ના પણ સાંસા પડે છે. આ સ્થિતિમાં એંસી ફૂટના રોડ પર સત્યમપાર્ક-4માં રહેતા નીલેશભાઈ રતિલાલ સોની (ઉ. 55), તેમના પત્ની ચંદ્રિકાબેન (ઉ. 50) અને પુત્ર માર્ગીન (ઉ.વ. 30)એ ત્રણેયએ સતત નાણાભીડ અને મંદીથી ત્રાસીને ગત રાત્રિના ઘરે ઝેર ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ આજે થોરાળા પોલીસમાં જાહેર થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર આ પરિવાર ઘરબેઠા અગરબત્તીના બોક્સ પેકિંગનો ધંધો કરતા હતા જેમાં મંદી હતી. છ વર્ષ પહેલા સત્યમપાર્કમાં ફ્લેટ લીધો હતો જે માટે તેમણે રૂ।. 7 લાખની લોન લીધી હતી. તેના માસિક રૂ।. 7500ના હપ્તા આ પરિવાર ભરી શકતો ન્હોતો અને 12 માસથી હપ્તા ચડત થઈ ગયા હતા. સામે કોઈ આવક ન્હોતી.
વધુમાં થોરાળા પોલીસના તપાસનીશ નીલેશ જાગાણીની તપાસાં ખુલ્યા મૂજબ 30 વર્ષનો માર્ગીન એક માસ પહેલા ઘરે ઘંઉમાં નાંખવાના ઝેરી ટીકડા લઈ આવ્યો હતો અને આપઘાત સિવાય કોઈ રસ્તો નથી તે અંગે ભારે ગડમથલ હતી અને મા-બાપે પણ અમે રહીને શુ કરીએ તેમ નક્કી કરીને ગત રાત્રિના ત્રણેયએ ઝેરી ટીકડા પી લીધા હતા. જો કે સિવિલ હોસ્પિટલે દાખલ થતા સારવાર શરૂકરી દેવાઈ છે. નિવેદનમાં પરિવારના સભ્યોએ કહ્યું કે દૂધ લેવાના પણ અમારી પાસે પૈસા નથી,અતિશય તંગી છે, ફ્લેટ વેચવા કાઢ્યો તો તેમાં પણ મંદી છે. આથી કંટાળીને આ પગલું ભર્યું હતું.


