વડોદરા,સ્કૂલમાં અનિયમિત જતા દીકરાને માતાએ ઠપકો આપતા તે ઘર છોડીને જતો રહ્યો હતો. આ અંગે માતાએ બાપોદ પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ શરૃ કરી છે.
બે સંતાનો સાથે રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, મારા મોટા દીકરાની સ્કૂલમા પરીક્ષા ચાલી રહી છે. ગત ૩૧ મી તારીખે તેની સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે, તમારો દીકરો આજે સ્કૂલમાં આવ્યો નથી. જેથી, હું સ્કૂલે ગઇ હતી. ત્યાં સુધી મારો દીકરો આવી ગયો હતો. તેની પરીક્ષા પૂરી થતા સુધી હું ત્યાં રોકાઇ હતી. પેપર પુરૃં થયા પછી હું તેને લઇને ઘરે આવી હતી. ત્યારબાદ હું બંગલાના કામ કરવા ગઇ હતી. હું પરત આવી ત્યારે મારો દીકરો ઘરે નહતો. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે, માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા છોકરો ઘર છોડીને જતો રહ્યો છે. અગાઉ પણ બે વખત તે ઘર છોડીને જતો રહ્યો હતો અને પરત આવી ગયો હતો. પરંતુ, આ વખતે તે હજીસુધી પરત આવ્યો નથી.


