Get The App

પૈસાની માંગણી ના સંતોષાતા પુત્રએ લાકડી મારી પિતાની હત્યા કરી દીધી

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
પૈસાની માંગણી ના સંતોષાતા પુત્રએ લાકડી મારી પિતાની હત્યા કરી દીધી 1 - image


- ખેડાના ખુમારવાડા ગામની લક્ષ્મીપુરા સીમમાં

- બંને લોટ દળાવી આવતા હતા ત્યારે રૂપિયા માંગતા પિતાએ ના પાડતા ઘટના બની : આરોપીની અટકાયત

નડિયાદ : ખેડા તાલુકાના ખુમારવાડ ગામમાં આવેલ લક્ષ્મીપુરાની સીમમાં પુત્રએ નાની બોલાચાલીમાં પિતાને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટનામાં રસ્તાના અભાવને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર ઘટનાસ્થળે પહોંચી ન શકતા ઘવાયેલા પિતાને સમયસર સારવાર ન મળી શકી હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. ખેડા ટાઉન પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી છે.

ખેડા તાલુકાના ખુમારવાડ ગામના લક્ષ્મીપુરા સીમ વિસ્તારમાં આવેલ મોટી રાયન વિસ્તારમાં પુત્રએ પૈસાની મામૂલી તકરારમાં પિતાને બેરહેમીથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટના સવારે ૧૦-૩૦ કલાકની આસપાસ બની હતી. પુત્ર શંભુ સોઢા પિતા બુધાભાઈ શનાભાઈ સાથે લોટ દળાવીને પાછો આવી રહ્યો હતો. રસ્તામાં શંભુએ પિતા પાસે પૈસા માંગ્યા હતા. બુધાભાઈએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ રોષે ભરાઈને રસ્તામાં ઝાડીવાળા વિસ્તારમાં તેમના પર લાકડાના હાથા વડે ઉપરાછાપરી ફટકા માર્યા હતા. પુત્રના આ હુમલામાં બુધાભાઈના હાથ, પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં જ પુત્રએ છોડી દીધા હતા. ત્યારે સ્થાનિક રહીશોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ લક્ષ્મીપુરા સીમ વિસ્તારમાં રસ્તાના અભાવને કારણે ૧૦૮ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહોતી. 

પરિણામે બુધાભાઈને સમયસર સારવાર માટે દવાખાને પહોંચાડી શકાયા ન હતા. આખરે તેમને ખેડા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી દીધા હતા. 

જોકે, ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. જાણ થતાં ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી કાર્યવાહી કરીને આરોપી પુત્ર શંભુ સોઢાની અટકાયત કરી લીધી છે. હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Tags :