બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી
- લોકઅપમાં તબિયત લથડતા આધેડને હોસ્પિટલે ખસેડાયો હતો
- નશામાં ધૂત પતિ તેની પત્નિને માર મારતો હતો : માતાને છોડાવવા પુત્રએ પિતાને લાકડીના ઘા ઝિંક્યા હતા
બોટાદ ખાતે રહેતા ભરતભાઈ બચુભાઈ ગોહિલ (ઉ.વ.૪૬) ગત તા.૩૧-૮ના રોજ સવારે ૧૧ કલાકના અરસામાં નશાની હાલતે ઘરે આવી તેમના પત્નિ જયાબેન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમના દિકરા દિકરીઓએ તેમને ઝઘડો નહી કરવા સમજાવ્યા હતા. પરંતુ નશામાં તેઓ કોઈનું માન્યું નહી અને પત્નિ જયાબેનને માર મારી ગળું પકડી લીધું હતું. આ દરમિયાન તેમના દિકરા રાકેશ ગોહિલ (ઉ.વ.૧૯)એ ઘરમાં પડેલી લાકડી વડે તેના પિતાને માર મારી છોડાવ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા બોટાદ પોલીસે સ્થળ પર જઈ ભરતભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસે તેમના વિરૂદ્ધ પિધા બાબતનો કેસ કરી મેડિકલ કરાવી લોકઅપમાં રાખ્યા હતા. તેમજ તેમના દિકરા રાકેશે લાકડી મારી હોય તેને પણ લોકઅપમાં રાખ્યો હતો. જે બાદ ૬ વાગ્યાના અરસામાં ભરતભાઈ ગોહિલ લોકઅપમાં બેહોશ થઈ જતાં તેમને સોનાવાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભરતભાઈ બચુભાઈ ગોહિલને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ સંદર્ભે બોટાદ ટાઉન પોલીસ મથકમાં પતિની હત્યા કરવા બદલ પુત્ર વિરૂદ્ધ માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક સામે દારૂ પિવા અંગેનો કેસ નોંધાયો
આ બનાવમાં બોટાદ પોલીસે મળેલી વર્ધીના આધારે ભરતભાઈ બચુભાઈ ગોહિલને નશાની હાલમાં ઝડપી લઈ પ્રોહી.એક્ટની કલમ ૬૬(૧)(બી) મુજબનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસને તેમના શરીરે ઈજાના નિશાન જોવા મળતા શરીરની સ્થિતિનું પંચનામુ કર્યાં બાદ અટક કરી હતી. શરૂઆતમાં કસ્ટડિયલ ડેથથી મોતની ચર્ચાઓ વહેતી થઈ હતી પરંતુ બાદમાં પુત્રએ પિતાની હત્યા કર્યાંનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.