માથાભારે સ્વભાવના પુત્રએ તબીબ પિતાની છરીના ઘા ઝીંકી હત્યા કરી
સેટેલાઇટમાં આવેલા વૈભવ ટાવરનો બનાવ
પુત્રનો ઝઝુની સ્વભાવ હોવાને કારણે પિતા તેના માટે પરિવારથી અલગ રહીને સાચવતા હતા
અમદાવાદ, રવિવાર
શહેરના સેટેલાઇટ માનસી સર્કલ પાસે આવેલા વૈભવ ટાવરમાં રહેતા ૨૯ વર્ષીય પુત્રએ તેના તબીબ પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. સેટેલાઇટ પોલીસે ફરાર આરોપી શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે સેટેલાઇટ માનસી સર્કલ ખાતે આવેલા વૈભવ ટાવરમાં ડૉ. નરેન કીરવાણી તેના ૨૯ વર્ષના પુત્ર વરૂણ સાથે રહેતા હતા. જ્યારે તેમની પત્ની અને પુત્ર વસ્ત્રાપુરમાં રહે છે. પુત્ર ર્વરૂણનો સ્વભાવ ઝનુની અને ગુસ્સાવાળો હોવાની તે અવારનવાર પરિવારના સભ્યો સાથે ઝઘડો કરવાની સાથે મારઝુડ પણ કરતો હતો. જેથી નરેનભાઇ તેને અલગ રાખીને રહેતા હતા.
નરેનભાઇ દિવસના સમયે વસ્ત્રાપુર તેમના ઘરે નિયમિત રીતે જતા હતા. પરંતુ, શનિવારે બપોર સુધી તે વસ્ત્રાપુર જમવા માટે ગયા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. જેથી તેમની પત્ની અને પુત્રી વૈભવ ટાવરમાં આવેલા ફ્લેટમાં તપાસ કરવા ગયા ત્યારે જોયુ તો નરેનભાઇનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો અને પુત્ર વૈભવ ત્યાં જોવા મળ્યો નહોતો. આ અંગે સેટેલાઇટ પોલીસે પિતાની હત્યાના મામલે વૈભવ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પોલીસના પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે વૈભવ આખો દિવસ તેના રૂમમાં રહેતો હતો અને કોઇ સાથે વાત કરતો નહોતો. તે અવારનવાર તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો પણ કરતો હતો