પિતા, પુત્રી અને જમાઇ દ્વારા રોકાણના નામે રૂપિયા ૫.૮૧ કરોડની છેતરપિંડી
વસ્ત્રાલમાં રહેતી મહિલા સહિત અનેક લોકોને ટારગેટ કર્યા
અમદાવાદ,રવિવાર
શહેરના વસ્ત્રાલમાં રહેતા પિતા, પુત્રી અને જમાઇએ વીમા કંપનીમાં રોકાણની સામે માત્ર ૧૩ દિવસમાં ૧૦ ટકા વળતરની લાલચ આપીને એક મહિલા સહિત અનેક લોકો સાથે રૂપિયા ૫.૮૧ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીનો આંક ૧૦ કરોડને પાર થવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વીમા એજન્ટને રોકાણની સામે ૧૩ દિવસમાં ૧૦ ટકા ગેરટેંડ વળતરની લાલચ આપી હતી ઃ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી શહેરના વસ્ત્રાલમા આવેલા મારૂતિ સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા આશાબેન ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે ઘરેથી કપડાનો વ્યવસાય કરે છે. ગત ઓગસ્ટ ૨૦૨૩માં તેમને એપાર્ટમેેન્ટમાં રહેતા નંદકિશોર સોનીએ મળવા માટે બોલાવ્યા હતા. જ્યાં તેમની દીકરી ખુશ્બુ સોની અને જમાઇ કિંજલ સોની હાજર હતા. નંદકિશોરે આશાબેનને કહ્યું હતું કે તેમના જમાઇ અને દીકરીએ વીમા પોલીસીનું કામ શરૂ કર્યું છે. જેમાં બલ્કમાં પોલીસી લેવાની હોવાથી વીમા એજન્ટે રોકાણ કરવાનું રહે છે. બાદમાં વીમા કંપની ૨૨ ટકાના વળતર સાથે નાણાં ૧૩ દિવસમાં પરત કરે છે. જેથી રોકાણ કરશો તો તમને ૧૦ ટકા વળતર મળશે.
જેથી આશાબેને તેમના પર વિશ્વાસ કરીને પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી તેમજ અન્ય લોકો પાસેથી લઇને ૩.૭૯ કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત, અન્ય લોકોેએ પણ નંદકિશોર સોનીને નાણાં આપ્યા હતા. આમ, પિતા ,પુત્રી અને જમાઇએ ૫.૮૧ કરોડ રૂપિયા મેળવ્યા હતા. જો કે સમય મર્યાદા વીતી જવા છતાંય, તેમણે નાણાં પરત આપ્યા નહોતા. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઇ આર જી દેસાઇએ વધુ તપાસ હાથ ધરી છે.