મહુવામાં સાસુ-સસરાની હત્યા કરનારા જમાઈની ધરપકડ
- ખારના ઝાપા વિસ્તારમાં ડબલ મર્ડરનો બનેલો બનાવ
- પત્નિ છોડીને પ્રેમી સાથે જતી રહી હોવાથી જમાઈએ સાસુ-સસરા સાથે ઝઘડો કરી હત્યા કરી હતી
મહુવાના ખારના ઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વીરરાભાઈ ડોણાશીયા અને તેમના પત્નિની ગત રોજ રાત્રિના ૮ કલાકના અરસમાં તેમના જમાઈ અજય રાજુભાઈ ભીલ (રહે.નવા ઝાપા, મહુવા)એ છરીના ઘા ઝિંકી હત્યા કરી દીધી હતી. હત્યાના બનાવ અંગે મૃતકના નાના ભાઈ જેન્તીભાઈ વીરાભાઈ ડોણાશીયા (રહે.બંદર ગામ)એ મહુવા પોલીસ મથકમાં અજય રાજુભાઈ ભીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ભાઈ રમેશભાઈની મોટી દિકરી શોભાબેનના લગ્ન અજયભાઈ સાથે આશરે ૧૩ વર્ષ પહેલા થયાં હતા. ચાર મહિના પૂર્વે શોભાબેન તેમના દિકરા અને પતિ અજયને છોડીને જામનગર બીજા સાથે પ્રેમસંબંધના કારણે જતા રહ્યાં હતા. જેના મનદુઃખને કારણે ગતરોજ રાત્રીના જમાઈ અજયભાઈ તેમના સસરાના ઘરે છરી લઈને આવી ઝઘડો કર્યો હતો. અને તેમના મોટાભાઈ અને ભાભી પર છરીના જીવલેણ ઘા મારી તેમનું મોત નિપજાવી નાસી છૂટયો હતો. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા હત્યાને અંજામ આપનારા જમાઈ અજયને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.