પોરબંદરમાં માતાની મૈયતમાં જતા પુત્રનું અકસ્માતમાં મોત
રાજકોટમાં રિક્ષાને પૂરપાટ ઝડપે જતી કારે હડફેટે લેતાં અકસ્માત : ચારેક પેસેન્જરો ઘવાતાં સિવિલમાં ખસેડાયા : આજી ડેમ પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી
રાજકોટ, : ગ્રીન લેન્ડ ચોકડીથી આજી ડેમ ચોકડી તરફ જતાં રસ્તા પર આજે સવારે પેસેન્જરોથી ભરેલી રીક્ષાને પાછળથી ધસી આવેલી કારે હડફેટે લેતા પોરબંદરમાં રહેતા અને માતાની મૈયતમાં જતાં યુસુફભાઈ અનવરભાઈ મુકાદમ (ઉ.વ.૫૦)નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ચારેક પેસેન્જરોને ઇજા થઇ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ભાગી ગયો હતો. આજી ડેમ પોલીસે ઘાયલ પેસેન્જર ગોપાલભાઈ કરશનભાઈ પઢારિયા (ઉ.વ. 38, રહે. રામપાર્ક શેરી નં. 2, કુવાડવા રોડ)ની ફરિયાદ પરથી હિટ એન્ડ રનનો કેસ નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આજે વહેલી સવારે ગ્રીન લેન્ડ ચોકડીથી સીએનજી રિક્ષામાં બેસી સાતેક પેસેન્જરો રવાના થયા હતાં. યુવરાજનગર મફતિયાપરા સામેના રોડ પર રિક્ષા પહોંચતાં પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી કારે રિક્ષાને હડફેટે લેતાં રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. એટલું જ નહીં તેનો બૂકડો બોલી ગયો હતો. રિક્ષામાં બેઠેલા મૂળ પોરબંદરના અને હાલ અમદાવાદ રહેતાં યુસુફભાઈનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ચારેક પેસેન્જરોને ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં.
જાણ થતાં આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યંય કે મૃતક યુસુફભાઈ અમદાવાદમાં મચ્છીનો વેપાર કરતાં હતાં. તેના માતાનું અવસાન થતાં મૈયતમાં સામેલ થવા અમદાવાદથી રાજકોટ આવ્યા હતાં. ગ્રીન લેન્ડ ચોકડીથી રિક્ષામાં બેસી બીજા વાહનમાં પોરબંદર જવા માટે ગોંડલ ચોકડીએ જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અકસ્માતને પગલે રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો. રિક્ષા પલ્ટી ખાઇ જતાં તેમાં બેઠેલા તમામ મુસાફરો રોડ પર પટાકાયા હતાં. ઘવાયેલાઓમાં ગોંડલના વિવેક શુક્લા, અમદાવાદના જેઠાભાઈ ચૌહાણ, ફરિયાદી ગોપાલભાઇ સહિત કુલ ચારનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રિક્ષામાં કલ્પેશભાઈ વરૂ અને તેના પત્ની ઝરણાબેન પણ બેઠા હતા.