ધંધામાં ધ્યાન આપવા અને પૈસાની બચત કરવા પિતાએ ટકોર કરતા પુત્રનો આપઘાત
મૂળ જૂનાગઢના હાલ સુરત સરથાણા જકાતનાકા રાધેકિષ્ના રો-હાઉસમાં રહેતા 29 વર્ષના ધર્મેશ હિરપરાએ કામરેજના આંબોલી ગામે તાપી નદીમાં ઝંપલાવી દીધું
બારડોલી,/અમરેલી : સુરતના સરથાણા જકાતનાકા ખાતે સંકલ્પ રેસીડેન્સી રાધે કૃષ્ણ રો-હાઉસમાં માતા-પિતા, ભાઈ, પત્ની અને બાળક સાથે રહેતો 29 વર્ષના યુવાને પૈસાનું ટેન્શન હોવાનો જણાવતા પિતાએ ધંધામાં ઘ્યાન આપવા અને રૂપિયા બચત કરવા માટે ઠપકો આપતાં દુકાનેથી નીકળી ગયા બાદ કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના પાણીમાં કૂદી જઈ આત્મહત્યા કરી હતી.
સુરત સરથાણા જકાતનાકા સંકલ્પ રેસીડેન્સી રાધે ક્રિષ્ના રો-હાઉસમાં ધર્મેશ અશ્વિનભાઈ હિરપરા (ઉ.વ. 29, મૂળ રહે.વીછાવડ, જી.જુનાગઢ) માતા પિતા મોટાભાઈ સંદીપ તથા પત્ની નિરાલી અને બાળક સાથે રહેતો હતો. અશ્વિનભાઈની યોગીચોક ખાતે ટાયરની દુકાન આવેલી છે. જે દુકાન પર અશ્વિનભાઈ અને બંને પુત્ર સંદીપ અને ધર્મેશ બેસતા હતા. ગત તા. 02-08-2025ના રોજ અશ્વિનભાઈ નિત્યક્રમ મુજબ દુકાન પર ગયા હતાં. થોડીવાર બાદ ધર્મેશ દુકાન પર આવી કશું બોલતો ન હોય અને બેસી રહેતા અશ્વિનભાઈએ દીકરા શું થયું કોઈ તકલીફ છે ? તેમ કહેતા ધર્મેશે પૈસાની તકલીફ છે તેમ કહેતા અશ્વિનભાઈએ ઠપકો આપી થોડું ધંધામાં ઘ્યાન આપ આખો દિવસ બીજા કામમાં વ્યસ્ત રહે છે અને પૈસાની બચત કરવા કહ્યું હતું.
સાંજના ધર્મેશ કોઈને કશું કહ્યા વગર નીકળીને જતો રહ્યો હતો. મોડે સુધી ધર્મેશ ઘરે ન પહોંચતા અશ્વિનભાઈએ ફોન કરવા છતાં ઉપાડયો ન હતો. બીજા દિવસે રવિવારે અશ્વિનભાઈએ ફોન કરતાં ધર્મેશે ફોન ઉપાડી ઘરે આવવા ના પાડી હતી. અશ્વિનભાઈએ પૈસા કપડાની જરૂર હોય તો લઈ જા તેમ કહેવા છતાં ના પાડી ફોન મૂકી દીધો હતો. ધર્મેશે પત્ની નિરાલી સાથે ફોન ઉપર વાત કરી હતી. બાદમાં ધર્મેશના મિત્રો મારફત સાયણ ખાતે નોકરીએ લાગી ગયો હોવાની જાણ થઈ હતી. ગત સોમવારે અશ્વિનભાઈએ રાત્રે ફોન કરતાં ધર્મેશે હું મારી રીતે ધંધામાં સેટ થઈ ગયો છું. મારે ઘરે નથી આવવું તમે તમારી રીતે ધંધો કરો. તેમ વાત કરતા મળવા આવવાનું કહેતા ફોન મૂકી દીધો હતો. ગત મંગળવારે અશ્વિનભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ધર્મેશ ગુમ થવા અંગે અરજી આપી હતી. ધર્મેશ અગાઉ પણ બે વાર ઘરેથી ચાલી જઈ પરત આવી ગયેલો હોય બે દિવસમાં ઘરે આવી જશે તેમ માની અશ્વિનભાઈ પોતાની દુકાને ગયા હતાં. ગત રોજ બુધવારે અશ્વિનભાઈના મોબાઈલ ઉપર કામરેજ પોલીસે ફોન કરીને તાપી નદીના પાણીમાંથી એક બોડી મળી છે. જેના પાકીટમાંથી આધારકાર્ડ મળ્યો છે. આધાર કાર્ડ ધર્મેશ અશ્વિનભાઈ હિરપરા નો છે અને એક બીલિંગમાં તમારો મોબાઈલ નંબર છે. તમે કામરેજ સરકારી દવાખાને આવો તેમ કહેતા અશ્વિનભાઈ કામરેજ પહોંચતા જ્યાં પોતાના પુત્ર ધર્મેશની ઓળખ કરી હતી. ધર્મેશે પિતાના ઠપકા બાદ સોમવારે મોબાઈલ ઉપર વાતચીત કર્યા પછી તાપી નદીના પાણીમાં કુદી આત્મહત્યા કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંઘ્યો હતો.