વિછીંયા નજીક ઓરી રોડ પરનો બનાવ
ઓરી ગામે રહેતા યુવાન પર ફરિયાદ થતાં દસ માસ જેલમાં હતો, જામીન પર છુટયા બાદ હુમલો કરાયો
જયંતિભાઇએ પોલીસને જણાવ્યું કે ચારેક વર્ષ પહેલા તેના પિતાના નામે ઓરી ગામે આવેલી જમીન પર તે જ ગામના ઓધા શિયાળ અને તેના પુત્ર સંજય ઉર્ફે સચીનએ કબજો કરવો હોવાથી તેના પિતા જીવણભાઇ સાથે મારામારી કરી હતી. જે અંગે તેના પિતાએ ફરીયાદ નોંધાવી હતી.
ત્રણેક વર્ષ પહેલા આરોપી સંજય ઉર્ફે સચિનના પિતા ઓધાનું મર્ડર થઇ ગયું હતું તેની શંકા તેના પર હોવાથી આરોપીએ ફરીયાદ કરી હતી. આ ગુનામાં તે ૧૦ માસ જેલમાં રહ્યા હતા હાલ જામીન પર છે આરોપીને શંકા હોવાથી તે રાગદ્વેશ રાખી અવારનવાર કાતરો મારતો હતો. ગઇ તા.૧ના તે કાર લઇ કામ સબબ વિછીંયા ગયા હતા.
જ્યાંથી પરત ઓરી ગામે રવાના થયા હતા ત્યારે ઓરી રોડ પર મિત્ર ગોપાલ ધલવાણીયાની ગેરેજે ઉભા રહ્યા હતા આ સમયે ત્યાં ઘસી આવેલા આરોપી સંજય ઉર્ફે સચીનએ તેને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ત્યાં હાજર તેના મિત્ર સુનિલભાઇ હાંડાએ તેને બચાવી વિછીંયા સરકારી દવાખાને ખસેડયો હતો. જ્યારે આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. વિછીંયા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી સંજય ઉર્ફે સચીનને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


