Get The App

સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત 1 - image

સૌરાષ્ટ્રમાં કુદરતના કોપથી વિશ્વપ્રસિધ્ધ પર્વોનું આયોજન વેરવિખેર : ભારે વરસાદના હવામાનના પગલે નિર્ણયઃ તા. 1થી 4 નવે. સોમનાથમાં માત્ર દર્શન યથાવત્ રહેશે, મેળો તા. 1 ડિસેમ્બરે 

રાજકોટ, : અરબી સમુદ્ર પર ડીપ્રેસન વેરાવળથી 400 કિ.મી.ના અંતરે આવી પહોંચ્યું છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો માહૌલ છે ત્યારે અગિયારસ તા. 1થી કારતક સુદ પુનમ તા. 4 નવેમ્બર સુધી યોજાનાર ગીરનાર પરિક્રમા સામે આજે પણ અનિશ્ચિતતાના વાદળો મંડરાયેલા રહ્યા હતા તો બીજી તરફ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે દેવદિવાળીના આ જ પાવન દિવસોમાં યોજાતા કાર્તિકી પુનમના મેળાનું આયોજન 27 દિવસ પાછળ ધકેલ્યું છે.  વર્તમાન કમોસમની કપરી સ્થિતિ ધ્યાને લઈને આ વર્ષે કારતક સુદ અગિયારસથી આ મેળો નહીં યોજાય પરંતુ, આ દિવસોમાં એટલે કે તા. 1થી 4 નવેમ્બર સુધી સોમનાથ મંદિરમાં પૂજા,દર્શન, આરતી સહિતના કાર્યક્રમો યથાવત્ યોજાશે. 

જ્યારે સોમનાથનો પુનમનો મેળો આ વર્ષે આગામી તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન એટલે કે માગસર મહિનામાં યોજવામાં આવશે. આ જ રીતે જુનાગઢથી મળતા અહેવાલો દર વર્ષે અગિયારસથી પુનમ (આ વર્ષે તા. 1થી 4 નવેમ્બર) દરમિયાન યોજાતી જગપ્રસિધ્ધ ગીરનાર પરિક્રમા યોજાશે કે કેમ તે અંગે  આજે પણ અનિશ્ચિતતા રહી હતી. આ પરિક્રમામાં લાખો લોકો ઉમટતા હોય છે અને જંગલના રસ્તે પરિક્રમા કરવાની હોય ભારે વરસાદથી ભારે જોખમ સર્જાઈ શકે તેમ છે.