| (IMAGE - IANS) |
Somnath Temple: ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ અત્યંત સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યો છે. આશરે 1000 વર્ષ પહેલાં, અફઘાનિસ્તાનથી 1500 કિમી દૂર ચાલીને આવેલા આક્રમણખોર મહેમૂદ ગઝનવીએ આ મંદિર પર હુમલો કર્યો હતો. ગઝનવી ઉપરાંત ઔરંગઝેબ સહિતના અનેક લૂંટારુઓએ કુલ 17 વાર આ ભવ્ય મંદિરને નિશાન બનાવ્યું અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, સમયનું ચક્ર એવું ફર્યું કે મંદિર પર હુમલો કરનારા શાસકો આજે ઇતિહાસના પાનાઓમાં દટાઈ ગયા છે, પરંતુ સોમનાથ મંદિર દરેક હુમલા બાદ વધુ ભવ્યતા સાથે પુનઃનિર્માણ પામ્યું છે. આ મંદિર સદીઓથી વિશ્વને એ સંદેશ આપે છે કે કોઈપણ હિંસક શક્તિ ભૌતિક માળખાનો નાશ કરી શકે છે, પરંતુ કરોડો લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને ક્યારેય તોડી શકતી નથી. આજે આ મંદિર તેની દિવ્યતા અને અતૂટ વિશ્વાસના જીવંત પુરાવા તરીકે અડીખમ ઊભું છે.
સોમનાથના આક્રમણ અને સામાજિક એકતા પર અટલબિહારી વાજપેયીના વિચારો
અટલબિહારી વાજપેયી જણાવતા હતા કે કિશોરાવસ્થામાં જ્યારે તેમણે સોમનાથ પર થયેલા હુમલાની કથા સાંભળી હતી, ત્યારથી તે પીડા તેમના હૃદયમાં એક કાંટાની જેમ ખૂંચતી હતી. તેમણે આપણા ઇતિહાસની એક મોટી ખામી તરફ આંગળી ચીંધતા કહ્યું કે, તે સમયે આપણે સમાજને 'લડવૈયા' અને 'સામાન્ય નાગરિક' એમ બે ભાગમાં વહેંચી દીધો હતો. લડવાની જવાબદારી માત્ર રાજાઓ અને ક્ષત્રિયોની જ ગણવામાં આવતી, જેના કારણે જ્યારે હુમલો થયો ત્યારે મોટાભાગના લોકો હથિયાર ઉઠાવવાને બદલે માત્ર પરિણામની રાહ જોતા બહાર ઊભા રહ્યા હતા.
જ્યારે અટલજી વિદેશમંત્રી તરીકે અફઘાનિસ્તાનના ગઝની ગામ ગયા, ત્યારે તેમણે જોયું કે તે એક નાનકડું અને અત્યંત ગરીબ ગામ હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાનના ઇતિહાસમાં પણ મહેમૂદ ગઝનવીનું કોઈ સન્માનજનક સ્થાન નથી. ગઝનવી કોઈ મહાન શાસક નહોતો, પરંતુ માત્ર એક સામાન્ય લૂંટારુ હતો જેણે અન્ય લૂંટારુઓની ટોળી બનાવીને ભારત જેવી 'સોનાની ચિડિયા' ને લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું. આ કથા આપણને શીખવે છે કે રાષ્ટ્રની રક્ષા માટે આખો સમાજ એકજૂથ હોવો અનિવાર્ય છે.
જેસલમેર અને પાટણ થઈ સોમનાથ પહોંચ્યો હતો ગઝનવી
ઈતિહાસકારોના મતે લૂંટારુ મહેમૂદ ગઝનવીનો સોમનાથ પરનો હુમલો અત્યંત ક્રૂર હતો. તે જેસલમેરના રસ્તે થઈને ગુજરાતના પાટણ (અણહિલવાડ) અને ઉના પાસેના દેલવાડા માર્ગે સોમનાથ પહોંચ્યો હતો. ત્યાં તેણે ભવ્ય મંદિરનો ધ્વંસ કર્યો અને હજારો નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. તે સમયે તે અંદાજે 2 કરોડ દિનારની અત્યંત કિંમતી સંપત્તિ લૂંટીને અફઘાનિસ્તાન પરત ફર્યો હતો. જોકે, આ લૂંટના માત્ર પાંચ વર્ષ બાદ, ઈ.સ. 1030માં તે ગંભીર બીમારીનો ભોગ બન્યો અને અત્યંત પીડા સાથે મૃત્યુ પામ્યો.
ગઝનવી પછી પણ અન્ય આક્રમણખોરોએ સોમનાથ પર કુલ 17 વાર હુમલા કર્યા, પરંતુ કુદરતનો ન્યાય જુઓ કે આજે એ તમામ લૂંટારુઓનું અસ્તિત્વ ધરતીમાં ધરબાઈ ગયું છે. બીજી તરફ, સોમનાથ મહાદેવનું મંદિર દરેક હુમલા બાદ વધુ દિવ્યતા અને નવી તાકાત સાથે પુનઃનિર્માણ પામતું રહ્યું છે, જે શ્રદ્ધાના વિજયનો જીવંત પુરાવો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ
સોમનાથ મંદિર: સંકલ્પથી સિદ્ધિ સુધીનું ભવ્ય પુનઃનિર્માણ
સોમનાથ મંદિરના ઇતિહાસમાં અનેકવાર પુનઃનિર્માણના કાર્યો થયા છે, જેમાં ઈ.સ. 1169માં રાજા કુમારપાળ, 1308માં મહિપાલ-1 અને 1783માં માતા અહલ્યાબાઈ હોલકરે મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત આઝાદ થયાના માત્ર ત્રણ મહિનામાં જ, 13 નવેમ્બર 1947ના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરની મુલાકાત લીધી હતી અને તેને ફરીથી ભવ્ય બનાવવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો. આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ, તેનું નિર્માણ જનતાના સહયોગ અને દાનથી થયું છે. આ પવિત્ર કાર્યમાં જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ 1.51 લાખ રૂપિયા અને નાનજી કાલીદાસ મહેતા સહિતના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો.
અંતે, 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની હાજરીમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાલમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદે સ્વયં વડાપ્રધાન બિરાજમાન છે અને મંદિરની સુરક્ષા માટે કાયમી ધોરણે 'ઝેડ પ્લસ' કવચ રાખવામાં આવ્યું છે. મંદિર પર થયેલા આક્રમણને આજે એક હજાર વર્ષ પૂરા થયા છે, જ્યારે તેના ભવ્ય પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજથી મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે.


