શ્રાવણમાં સોમનાથ દર્શન માટે STની ખાસ વોલ્વો બસ સેવા, જાણો ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો
Ahmedabad to Somnath Volvo Bus: 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો માટે વિશેષ એસી વોલ્વો બસ ગત 28 એપ્રિલ, 2025થી દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે શ્રાવણ માસમાં આ બસ સેવાનો લાભ લઈને સોમનાથ દર્શને જઈ શકાશે. ગુજરાત એસટી વિભાગે આ એસી વોલ્વો બસ સેવા અમદાવાદના રાણીપ બસ સ્ટેશનથી શરુ કરી છે.
બે ટાઇમ જમવાનું અને હૉટલમાં રાત્રિ રોકાણની સુવિધા
આ બસ વહેલી સવારે 6:00 વાગે રાણીપ બસ સ્ટેશન (અમદાવાદ)થી ઉપડે છે, જે સાંજે 4:00 વાગે સોમનાથ પહોંચે છે. બીજા દિવસે સવારે સોમનાથથી 9:30 વાગે ઉપડશે અને રાત્રે 10:30 વાગે રાણીપ (અમદાવાદ) પહોંચશે. આ બસનું ભાડું પ્રતિ વ્યક્તિ (જવા-આવવાનું) 4,000 રૂપિયા છે, જ્યારે બે વ્યક્તિ માટે 7,050 રૂપિયા રહેશે. જેમાં અલ્પાહાર અને બે ટાઇમનું ભોજન, હૉટલમાં રાત્રિ રોકાણ, ગાઇડ, સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિર દર્શનનો સમાવેશ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ બસ સેવા અને ટુર પેકેજ શરુ કરવામાં આવ્યું છે. જેમાં શ્રદ્ધાળુઓ આરામદાયક અને સુવિધાજનક રીતે મુસાફરીનો આનંદ માણી શકે અને સોમનાથ દાદાના દર્શન કરી શકે.