Get The App

કોઈએ સ્ટોપ વિનાનાં સ્ટેશને ઉતરવા તો કોઈકે વસ્તુ પડી જતાં ટ્રેન થોભાવડાવી!

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
કોઈએ સ્ટોપ વિનાનાં સ્ટેશને ઉતરવા તો કોઈકે વસ્તુ પડી જતાં ટ્રેન થોભાવડાવી! 1 - image


ચેઈન પુલિંગથી ટ્રેન થોભાવનાર 35 મનમોજી મુસાફરોને પદાર્થપાઠ : રાજકોટ ડિવિઝનમાં ઓગસ્ટમાં ટિકિટોનાં કાળાબજાર કરતા 1, : તો રેલવે સંપત્તિની ચોરી કરતા 2 ઈસમની રેલવે પોલીસ દ્વારા ધરપકડ

રાજકોટ, : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા ગત મહિના દરમિયાન 'સેવા હી સંકલ્પ' અભિયાન હેઠળ મુસાફરોની સુરક્ષા અને સુવિધા સંલગ્ન કામગીરી કરવામાં આવી હતી. તેમાં ખાસ કરીને ઓખાથી લઈને વિરમગામ અને મોરબીથી લઈને રાજકોટ સહિતના પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન વિસ્તારમાં ચાલુ ટ્રેનને ચેઈન પુલિંગ કરીને થોભાવનાર 35 મુસાફરો સામે ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાનીની સૂચનાથી ઓગસ્ટ મહિનામાં આરપીએફ દ્વારા રેલવે પરિસર અને ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઈને અલગ-અલગ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. ખાસ કરીને 'ઓપરેશન સમયપાલન' હેઠળ પેસેન્જર ટ્રેનોમાં ચેઈન પુલિંગ કરીને અવર-જવરને અવરોધિત કરનારાઓ પર કાર્યવાહી હાથ ધરીને 35 લાપરવાહ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે રેલ્વે એક્ટ હેઠળ યોગ્ય કારણ વગર ટ્રેનની એલાર્મ ચેઈન ખેંચવા બદલ રૂા. 1000 દંડ અને એક વર્ષ સુધીની જેલ જેવા સજાલાયક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગના મુસાફરોને સ્ટોપ ન હોય એવા નાના સ્ટેશને કે જગ્યાએ ઉતરવું હતું, તો અમુક મુસાફરોની સામાન્ય ચીજવસ્તુ તેમની લાપરવાહીના કારણે ચાલુ ટ્રેનમાંથી બહાર પડી ગઈ હોવાથી ચેઈન ખેંચીને ટ્રેન થોભાવી હતી.

આ ઉપરાંત 'ઓપરેશન ઉપલબ્ધ' હેઠળ રેલવે ટિકિટોનું કાળું બજાર કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે 'ઓપરેશન રેલ સુરક્ષા' અંતર્ગત રેલવે સંપત્તિની ચોરીના મામલામાં 2 ઈસમોને પકડયા હતા. આ ઉપરાંત 'ઓપરેશન અમાનત'માં મુસાફરોના ભૂલાઈ ગયેલા રૂા.1.31 લાખની કિંમતના 27 માલ-સામાન સુરક્ષિત પરત કર્યા હતા. 'ઓપરેશન નન્હે ફરિશ્તે'માં ઘરેથી ભાગી ગયેલા ત્રણ સગીર બાળકો તો 'ઓપરેશન ડિગ્નિટી'માં ગુમ થયેલા બે વ્યક્તિઓનો તેમના પરિવારજનો સાથે ભેંટો કરાવી આપ્યો હતો. વધુમાં  'ઓપરેશન જનજાગરણ' હેઠળ રેલવે સ્ટેશન વિસ્તારોમાં મુસાફરોને મહિલા સુરક્ષા, નશામુક્તિ, માનવ તસ્કરી અને રેલ સંપત્તિ સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

Tags :