For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેટલાક લોકો જુના પ્રિસ્ક્રિપ્શન લઇ આંટો મારવા નીકળ્યા, પોલીસે ઘરે મોકલવા પડયા

ભાગા તળાવ વિસ્તારમાં ત્રણ સવારી બાઈક પર કેટલાક યુવાનો મોબાઈલ પર વિડીયો ઉતારતા નજરે પડતા પોલીસે દોડવું પડયું

જનતા કરફ્યૂમાં પણ ફરવા નીકળ્યા

Updated: Mar 22nd, 2020

સુરત, તા. 22 માર્ચ2020,  રવિવાર

કોરોના સામે લડવા માટે જનતા કરફ્યૂને પ્રબળ સમર્થન મળ્યું હતુ પરંતુ કેટલાક લોકો જનતા કરફ્યૂનો ભંગ કરવા માટે જાતજાતના બહાના કાઢી રહ્યાં છે. તંત્ર દ્વારા મેડિકલને રાહત આપી હોવાથી કેટલાક લોકો દુરપયોગ કરી રહ્યાં છે. જુના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કેટલાક લોકો બહાર ફરવા માટે કરી રહ્યાં છે. આવા લોકોને ઓળખીને ઘરે મોકલવાની ફરજ પડી રહી છે. આવા કેટલાક લોકોના કારણે પોલીસની કામગીરીમાં વિધ્ન આવવા સાથે કોરોના સામેની લડાઈમાં પણ મુશ્કેલી આવી રહી છે.

કોરોના સામે સરકાર અને સુરતીઓ સહિત ભારતીયો એક થઈને લડાઈ લડી રહ્યાં છે, પરંતુ કેટલાક લોકોની હરકતના કારણે જનતા કરફ્યૂમાં વિક્ષેપ પડી રહ્યો હોવાથી પોલીસે દરમિયાનગીરી કરવી પડી રહી છે. કેટલાક લોકો પોતાનો શોખ પુરો કરવા માટે જનતા કરફ્યૂમાં ઘરમાં રહેવાના બદલે બહાર ફરી રહ્યાં હતા. તેઓને ઘરે મોકલવા મટે પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી હતી. સૌથી વધુ લોકો વરાછા અને કતારગામમાં સવારે બહાર જોવા મળ્યા હતા. આ લોકોને પોલીસે અટકાવીને ઘરે મોકલતી હતી ત્યારે જુના પ્રિસ્ક્રિપ્શન બતાવીને દવા લેવા માટે જવું છે તેવા બહાના કાઢતા હતા. જેમાંથી મોટાભાગના લોકોની પોલ પકડાતા તેઓને પોલીસે ઘરે મોકલી આપ્યા હતા.

તો બીજીતરફ ભાગાતળાવ અને ભાગળ વિસ્તારમાં કેટલાક યંગસ્ટર્સ બાઈક પર ત્રણ સવારી કરીને રોડ પર ફરતાં જોવા મળ્યા હતા. તેઓએ ચાલુ બાઈકે બંધ અને પોતાનો વિડીયો ઉતારી મસ્તી કરતાં જોવા મળ્યા હતા. પોલીસે આ લોકોને અટકાવવાનો ્પ્રયાસ કરતાં ભાગી ગયા હતા. આવા આંગળીના વેઢે ગણાય એટલા લોકોના કારણે દેશ આખો કોરોના સામે લડી રહ્યો છે તેને ફટકો પડી રહ્યો છે. આવી રીતે ફરતાં અને સમાજમાં વાયરસ ફેલાવવા માટે જોખમી બનતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી હવે લોકો જ કરી રહ્યાં છે.

Gujarat