Get The App

રાજકોટમાં આંશિક વકીલો કોર્ટ કાર્યથી દૂર રહ્યા,પોલીસ સાથે શાબ્દિક ટપાટપી

Updated: Mar 4th, 2024

GS TEAM

Google News
Google News
રાજકોટમાં આંશિક વકીલો કોર્ટ કાર્યથી દૂર રહ્યા,પોલીસ સાથે શાબ્દિક ટપાટપી 1 - image


ડિસ્ટ્રીક્ટ જજ અને પોલીસે કોર્ટ બાર એસો.નું વલણ અયોગ્ય જણાવ્યું છતાં  : ન્યાયાલય પરિસરમાં પોલીસ તૈનાત કરવી પડી,  કોર્ટ કાર્યવાહી ચાલુ રહી, નવા બિલ્ડીંગમાં અનેકવિધ સુવિધા અપાયા છતાં કેટલાક વકીલોને અસંતોષ 

 રાજકોટ, : ગત તા. 6 જાન્યુઆરીએ જામનગર રીંગરોડ પર ઘંટેશ્વર પાસે 14 એકરના વિશાળ પરિસરમાં રૂ. 110 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન અને ભવ્ય રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ લોકાર્પણ કર્યાને બે માસ થવા આવ્યા છે છતાં કોર્ટ બિલ્ડીંગમાં વકીલોના ટેબલ રાખવાના મુદ્દે વિવાદ ઉગ્ર બનતો જાય છે. આજે ડિસ્ટ્રીક્ટ જજ અને પોલીસે હડતાળ કે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના નિર્ણયને અનુચિત ગણાવ્યા છતાં કેટલાક વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહી બીજાને દૂર રહેવા સમજાવતા પોલીસે વચ્ચે પડતા પોલીસ સાથે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી. 

કોર્ટમાં પોલીસનો બંદોબસ્ત મુકવો પડયો હતો. બાર એસો.એ પોતે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહે તે કાર્યવાહીમાં અવરોધ ન થાય તે માટે બંદોબસ્ત માંગ્યો હતો જે માંગણી પોલીસે ફગાવી દઈને કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવા સમજ આપી હતી અને આજે પોલીસ ન્યાયિક કાર્યવાહીમાં કોઈને વિક્ષેપ ન પડે તે માટે બંદોબસ્ત જાળવ્યો હતો. આવતા જતા વકીલો,અસીલોને અટકાવવા પ્રયાસમાં પોલીસે દરમિયાનગીરી કરતા પોલીસ મનમાની કરે છે તેમ કહીને વકીલો સાથે જીભાજોડી થઈ હતી. એડવોકેટ દિલિપ પટેલે જણાવ્યું કે કોર્ટમાં પુરતી સુવિધા નથી, ડિસ્ટ્રીક્ટ જજનું વલણ યોગ્ય નથી અને તે માટે હાઈકોર્ટને રજૂઆત કરી છે.

જ્યારે કોર્ટના સૂત્રોએ જણાવ્યું કે નવા બિલ્ડીગમાં અસીલો અને વકીલો માટે અદ્યતન પર્યાપ્ત સેવાઓ, સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જુની કોર્ટ કરતા અનેકગણી વધુ જગ્યા છે છતાં અસંતોષ દર્શાવીને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા બાર એસો.માં ઠરાવ થતા તે ઠરાવને ડિસ્ટ્રીક્ટ જજે અયોગ્ય ઠેરવીને આવું નહીં કરવા બાર પ્રમુખને પત્ર પણ લખ્યો હતો. આજે કોર્ટમાં રાબેતામૂજબ હિયરીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે અને પક્ષકારો કે વકીલ ગેરહાજર હોય તેમાં સ્વાભાવિક મુદત પડતી હોય છે. આશ્ચર્યની વાત એ છે કે જુની કોર્ટમાં 200 વકીલો માટે ટેબલો તે પણ મોટાભાગે મેદાનમાં હતા તે સામે નવી કોર્ટના બિલ્ડીંગમાં પ્રથમ અને બીજા માળે 400  ટેબલ તો ગોઠવાઈ ગયા છે છતાં વિવાદ કરાઈ રહ્યો છે. 

Tags :