POK લઈએ એ જ સાચી શ્રદ્ધાંજલિ: ભાવનગરના મૃતકોના પરિવારની મુલાકાત બાદ બીટ્ટાનું નિવેદન
Maninderjit Singh Bitta Bhavanagar Visit : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીનાં મોત થયાં હતાં, જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. ત્યારે ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરજીત સિંઘ બીટ્ટા ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા કાળિયાબીડના મૃતક પિતા-પુત્રના પરિવારજનો સાથે મુલાકાત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંત્વના પાઠવી હતી.
લોકલ પોલીસ અને ઇન્ટેલિજન્સની ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હશે
આ દરમિયાન મનિન્દરજીત સિંઘ બીટ્ટાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલાની ઘટનામાં લોકલ પોલીસ અને ઇન્ટેલિજન્સની ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હશે, જેથી આતંકવાદીઓને હુમલો કરવાનો મોકો મળી ગયો. આતંકવાદીઓએ ધાર્યું હોત તો હજુ પણ વધુ લોકોને મોતને ઘાટ ઉતારી શક્યા હોત. તેમણે વધુમાં કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલા બાદ દરેક લોકોએ મોતનું કફન બાંધવું પડશે. ઇઝરાયલના દરેક બાળકોની જેમ દરેક ભારતવાસીએ પોતાના દેશ માટે દેશભક્ત બનવું પડશે. હવે સમય આવી ગયો છે, 70 વર્ષની કેન્સરની બીમારીને જડમૂળથી દૂર કરવી પડશે.
POK લઈ લો એ જ સાચી શ્રદ્ધાંજલિ: બીટ્ટા
બીટ્ટાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 ખતમ કરીને કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરી દીધી છે. હું ઘણીવાર ગુજરાતની મુલાકાતે આવ્યો છું, અહીંની પોલીસ સતર્ક જોવા મળે છે. ગુજરાતમાં કોઈ આતંકવાદ નથી. હું પણ કોંગ્રેસી રહી ચૂક્યો છું, પણ જે સાચું છે એનો સ્વીકાર કરવો જોઈએ, તેમાં રાજકારણ ન જોઇએ. લોકોએ રોડ પર આવીને સરકારને કહેવું પડશે કે જે કરવું હોય તે કરો પણ POK લઈ લો. આગામી ભવિષ્ય માટે ગોળીનો જવાબ ગોળી છે અને રહેશે. દેશનો દરેક નાગરિક તે માટે સાથ આપશે. પાકિસ્તાને વારંવાર પીઠ પર ઘા કર્યો છે, હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. કલમ 370 હટાવી એ રીતે POK લઈ લો એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે.