ધો.૧૦ની વિદ્યાર્થિની સ્કૂલના ચોથા માળેથી કુદી ગઇઃઆત્મહત્યાનો પ્રયાસ
રિસેષ દરમિયાન સોમ-લલીત સ્કૂલમાં બનેલી ચકચારી ઘટના બની
વિદ્યાર્થિની ગંભીર હાલતમાં આઇસીયુમાં સારવાર હેઠળઃ અઘટિત પગલુ ભરવાનું કારણ અકબંધઃ નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ,ગુરૂવાર
શહેરના નવરંગપુરામાં આવેલી સોમ-લલીત સ્કૂલમાં ગુરૂવારે રિસેષ દરમિયાન ચોથા માળેથી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી તબીબોએ સઘન સારવાર શરૂ કરી છે. વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યુ? તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હજુસુધી કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પોલીસ સગીરાના સોશિયલ મિડીયા એકાઉન્ટ અને તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓની પુછપરછ કરશે.
શહેરના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પાસે આવેલી સોમ-લલીત સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ સોમવારે બપોરના સાડા બાર વાગ્યાના સુમારે રિસેષ દરમિયાન સ્કૂલના ચોથા માળેથી અચાનક કુદકો મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને માથાભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેને સારવાર માટે આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ, તબીબોએ તેની સ્થિતિ ગંભીર ગણાવી છે.બીજી તરફ બનાવને પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઇ હતી. સમગ્ર ઘટના અંગે નવરંગપુરા પોલીસને જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર એ એ દેસાઇ તેમજ અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
આ અંગે પોલીસે વિદ્યાર્થિનીના માતા-પિતાની પ્રાથમિક પુછપરછ કરી ત્યારે જાણવા ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતુ. જેથી આ અનુસંધાનમાં પોલીસ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થિઓ, તેના ક્લાસ ટીચરની પુછપરછ કરશે. તેમજ તેની સોશિયલ મિડીયા એકાઉન્ટ અંગે પણ તપાસ કરશે. ખાસ કરીને વિદ્યાર્થિની ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હોવાથી તેને અભ્યાસના દબાણમાં હોવાની શક્યતાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સમક્ષ સમગ્ર મામલે રિપોર્ટ તેમજ સીસીટીવી ફુટેજ પણ મંગાવ્યા છે. જેના આધારે પણ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
બીજી રિસેષમાં વિદ્યાર્થિને રોકવા માટે ત્રણ મિત્રોએ પ્રયાસ કર્યો પણ હાથ છોડાવીને કુદી પડી
સોમવારે સવારે વિદ્યાર્થિની સ્કૂલમાં આવી ત્યારથી ચિંતામાં જણાતી હતી. તે પ્રથમ રિસેષમાં પણ ક્લાસમાં શાંત બેઠી હતી. બાદમાં બીજા રિસેષમાં ક્લાસમાંથી દોડીને જવા નીકળતી હતી. ત્યારે તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓએ તેનો હાથ પકડયો હતો. પણ તે છોડાવીને કુદી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોેલીસ આ અનુસંધાનમાં તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેને કાઉન્સીલીંગ કરીને પુછપરછ કરશે.