ચાણક્યપુરી ડમરૂ સર્કલ નજીક આવેલા જ્વેલર્સના ત્યાં કામ કરતા બે યુવકો ૧.૧૦ કરોડની કિંમતની ચાંદી ચોરી ગયા

અમદાવાદ,બુધવાર
ચાંદલોડીયામાં આવેલા એક જ્વેલર્સને ત્યાં છ વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરતા બે યુવકો રૂપિયા ૧.૧૦ કરોડની કિંમતની ૧૨૫ કિલો જેટલી ચાંદી અને ચાંદીના દાગીનાના ચોરી કરી કર્યાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આ અંગે પોલીસે બે મુખ્ય આરોપી અને તેના એક અન્ય સાગરિતને ઝડપી લીધા હતા.
શહેરના ચાણક્યપુરીમાં આવેલી ભવનાથ સોસાયટીમાં રહેતા પવનભાઇ જૈન ચાંદલોડીયા ડમરૂ સર્કલ પાસે આવેલા જ્વેલર્સમાં મેનેજર તરીકે નોકરી કરે છે. સાથે સાથે તેમની શોપમાં અજય દેસાઇ અને પિયુષ દેસાઇ (રહે. ચાંદલોડીયા) સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમની દુકાનમાં બહારથી ઓર્ડર મુજબ ચાંદીના દાગીના બનાવીને વિવિધ જ્વેલર્સમાં સપ્લાય કરે છે. ગત શનિવારે પવનભાઇએ શોપની લોકરમાં કુલ ૧૨૫ કિલો ચાંદી મુકી હતી. બીજા દિવસે સાંજે અજયના પિતાનો ફોન આવ્યો હતો કે અજય નોકરી પરથી ગયા બાદ પરત આવ્યો નથી અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવે છે. જેથી પવનભાઇએ પિયુષ દેસાઇનો ફોન કર્યો ત્યારે તે સ્વીચ ઓફ આવતો હતો. આ અંગે શંકા જતા પવનભાઇએ દુકાન પર તપાસ કરતા એક કર્મચારીએ જણાવ્યુ હતું કે રવિવારે સવારે અજય દેસાઇ અને પિયુષ દેસાઇ દુકાન પર આવ્યા હતા. જ્યાંથી ંબંને લોકર ખોલીને ચાંદી ભરેલા દાગીના લઇને ચાલ્યા ગયા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને બાતમીના આધારે અજય દેસાઇ અને પિયુષ દેસાઇ તેમજ પાટણમાં રહેતા કનુ દેસાઇને ઝડપી લીધા હતા.








