રાસાયણિક ખાતર, જંતુનાશકોને કારણે જમીનનું સ્વાસ્થ્ય કથળ્યું
કૃષિ યુનિ. જમીન વિજ્ઞાન- રસાયણશાસ્ત્ર શાખા દ્વારા ચકાસણીમાં જૂનાગઢ જિલ્લાની જમીનમાં નાઇટ્રોજન ઓછું, કાર્બન મધ્યમઃ મુખ્ય પોષક તત્ત્વોની ઉણપ જણાઈ
જૂનાગઢ, : જૂનાગઢ કૃષિ જમીન વિજ્ઞાાન અને રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા નવ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની જમીનમાંથી માટીના નમૂના મેળવી પોષક તત્ત્વોની ચકાસણી માટે કૃષિ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં પૃથક્કરણ કરાયું હતું. તેમાં ખેતી માટે મહત્વના નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું, સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ઓછાથી મધ્યમ અને પોટાશનું પ્રમાણ મધ્યમથી વધારે જોવા મળ્યું હતું. માત્ર રાસાયણિક ખાતરના વપરાશથી જમીનનું સ્વાસ્થ્ય કથળતું હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. રોગમુક્ત શરીર માટે જેમ મનુષ્ય આરોગ્યની ચકાસણી જરૂરી હોય છે, એવી જ રીતે અન્ન ઊગાડતી જમીનની પણ સમયાંતરે ચકાસણી જરૂરી બને છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધુ, તેટલી જમીન સ્વસ્થ અને ઊપજ પણ વધશે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળથી આરોગ્યને નુકસાનકારક બની રહે છે. એવી જ રીતે જમીનનું સ્વાસ્થ્ય પણ રાસાયણિક ફટલાઈઝરના ઉપયોગથી કથળવા લાગ્યું છે. જમીનમાં રહેલા પોષક તત્વોની ચકાસણી માટે જૂનાગઢ કૃષિ યુનિવસટી જમીન વિજ્ઞાાન અને કૃષિ રસાયણશા વિભાગ દ્વારા માટીના નમુના મેળવી પૃથ્થકરણ કરવામાં આવે છે અને પોષક તત્વોની ઉણપ હોય તો તે અંગે માહિતગાર કરી ખેતી માટે યોગ્ય ખાતરના વપરાશ અંગે તાકીદ કરવામાં આવે છે. જમીન અને કૃષિ રસાયણ વિભાગ દ્વારા ઉનાળા દરમ્યાન જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, મેંદરડા, માણાવદર, ભેસાણ, વિસાવદર, માંગરોળ, માળિયાહાટીના, વંથલી નવ તાલુકામાંથી ગ્રામ્ય વિસ્તારની જમીનના 250 માટીના નમૂના લેવામાં આવ્યા હતા. કૃષિ યુનિવસટી જમીન ચકાસણી પ્રયોગશાળામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સહિતના પોષક તત્વોનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. ચકાસણી રિપોર્ટમાં જમીનના પોષક તત્વોમાં ખેતી માટે મુખ્ય આધાર સ્તંભ ગણાતા નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું અને સેન્દ્રીય કાર્બન મધ્યમ પ્રમાણમાં છે. ફોસ્ફરસ મધ્યમથી ઓછું અને પોટાશનું પ્રમાણ મધ્યમથી વધારે હોવાનું જોવા મળ્યું છે.
જમીનના સ્વાસ્થ્ય માટે સેન્દ્રીય કાર્બન મહત્વનો હિસ્સો છે. જૈવિક, રાસાયણિક અને ભૌતિક પધ્ધતિમાં કાર્બન મુખ્ય આધાર સ્તંભ છે. હાલ ખેતીમાં ઝડપી પાક વૃધ્ધિ માટે સેન્દ્રીય ખાતરના બદલે માત્ર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ વધી રહ્યો છે. ચકાસણી રિપોર્ટમાં મુખ્ય પોષક તત્વોની ઉણપનું મુખ્ય કારણ રાસાયણિક ખાતરનો વપરાશ હોવાનું રિપોર્ટમાં આવ્યું છે. ભેળસેળ યુક્ત રાસાયણિક ખાતરના વપરાશથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો પોષણ મળતું નથી તેવી જ રીતે જમીનમાં રહેલા પોષક તત્વોનો પણ નાશ થાય છે અને જમીન કઠણ થવાથી શુષ્ક થઈ જાય છે.