Jamnagar Ganja Smuggling : જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ કડક સૂચના આપી હતી, અને જામનગર જીલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય, શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના અપાઈ હતી અને જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે 'નો ડ્રગ ઇન જામનગર' અભિયાન શરૂ કરવા સૂચના અપાઈ હતી.
જેના અનુસંધાને નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી.ના સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન એસ.ઓ.જી. ના સ્ટાફને બાતમી મળી હતી કે, બિહાર રાજ્યના ચંપારણનો વતની મંજય ભાગરીત મહતો કે જેણે શરીરે સફેદ જેવા કલરનું જાકેટ તથા કાળા જેવા કલરનું પેન્ટ પહેરેલ છે, અને આજરોજ મોટી ખાવડી ગામે વિનાયક પેટ્રોલ પમ્પની સામે મચ્છી માર્કેટ પાસે ગાંજો આપવા માટે આવનાર છે. જેથી તે જગ્યાએ ટીમ વોચમાં હતી.
દરમ્યાન ઉપરોક્ત વ્યક્તિ ત્યાં મળી આવ્યો હતો. જેની પાસેથી બ્લુ કલરનો એક થેલો મળ્યો હતો. જેની તપાસ કરતાં અંદરથી પ્રતિબંધીત માદક પદાર્થ ગાંજો 3 કિલો 800 ગ્રામ જેની કીંમત. 1,90,000 તથા એક મોબાઈલ ફોન, વજન કાટો વિગેરે મળી કુલ કી.રૂા.1,91,250 ના મુદામાલ સાથે પકડી પાડ્યો છે, અને તેના વિરૂધ્ધ મેઘપર (પડાણા) પોલિસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી), 29 મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
જેની પૂછપરછમાં પોતે ટ્રેન મારફતે બિહારથી વહેલી સવારે જામનગરના રેલવે સ્ટેશન સુધી આવ્યો હોવાનું અને વગર ટિકિટે જનરલ ડબ્બામાં રેલવેમાં મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ એક ઇકો કારમાં જનરલ પેસેન્જર તરીકે બેસીને મોટી ખાવડી તરફ આવ્યો હતો, અને મોટી ખાવડી વિસ્તારમાં રહેતા બે શખ્સો મૂળ બિહારના વતની મોહમ્મદ ફૈઝલ અને નવીન ચૌહાણ કે જેને સપ્લાય કરવા માટે આવ્યો હોવાથી તે બંનેને ફરાર જાહેર કર્યા હતા, અને પોલીસ તે બંનેને શોધી રહી હતી.
જે દરમિયાન મોડી સાંજે નવીન ચૌહાણ નામનો મૂળ બિહારનો વતની એક શખ્સ પોલીસના શકંજામાં આવી ગયો હતો, જેની હાલ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે તેમની સાથેનો મોહમ્મદ ફૈઝલ ફરાર હોવાથી પોલીસ તેને શોધી રહી છે.


