જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસેથી 800 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને SOG પોલીસે પકડ્યો : રાજકોટથી લાવ્યાની કબુલાત
Jamnagar Ganja Crime : જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલી જાડાના બિલ્ડીંગ નજીકથી ગઈકાલે સાંજે એસઓજીની ટીમે ધરારનગર-2માં રહેતા મૂળ સુરજકરાડીના શખ્સને 800 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સ રાજકોટથી તે જથ્થો વેચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે.
જામનગરના સાત રસ્તા સર્કલ પાસે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે આવ્યો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફને મળતાં પીઆઈ બી.એન.ચૌધરીની રાહબરી હેઠળની ટુકડીએ એક શખ્સને શકના આધારે રોકીને તલાશી લેતાં હાલ જામનગરના ધરારનગર-2માં વસવાટ કરતા મૂળ સુરજકરાડીના વતની મુઝફરખાન અનવરખાન પઠાણ નામના શખ્સ પાસેથી 800 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આથી અંદાજે રૂ.આઠેક હજારની કિંમતના ગાંજાને કબજે કરી એસઓજીએ આ શખ્સની પૂછપરછ કરતાં તેણે ઉપરોક્ત જથ્થો રાજકોટના એક શખ્સ પાસેથી વેચવા માટે લીધો હોવાની કબૂલાત આપી છે. એસ.ઓ.જી.એ મુઝફરખાનનો મોબાઈલ પણ કબજે કરી લઈ તેની સામે સિટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે.