નિકોલમાં રૂપિયા ૪૯ લાખના એમ ડી ડ્રગ્સ સાથે બે યુવકોને ઝડપી લેવાયા
મોડાસાના બે યુવકોએ ધંધો કરવા ડ્રગ્સ મંગાવ્યું હતું
રાજસ્થાનથી મોકલવામાં આવેલા ડ્રગ્સની ડીલીવરી રીંગ રોડથી લઇને બંને મોડાસા પરત જતા હતા
અમદાવાદ,રવિવાર
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે નિકોલ ભક્તિ સર્કલ પાસે બે યુવકોને ઝડપીને રૂપિયા ૪૯ લાખની કિંમતનું એમ ડી ડ્રગ્સ જપ્ત કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મિત્રોએ એમ ડી ડ્રગ્સનો ધંધો કરવાનો હોવાથી રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવતા એક વ્યક્તિ રીંગ રોડથી ડ્રગ્સ આપવા આવ્યો હતો. આ અંગે એસઓજીએ એનડીપીએસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ શનિવારે રાતના સમયે નિકોલ અને ઓઢવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મોડાસામાં રહેતા બે યુવકો ભક્તિ સર્કલથી રીંગ રોડ જવાના રસ્તા પર એમ ડી ડ્રગ્સ લેવા આવ્યા છે. જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી એચ જોષી અને તેમના સ્ટાફે તપાસ કરતા બે શંકાસ્પદ યુવકો જોવા મળ્યા હતા. જે પોલીસને જોઇને ભાગ્યા હતા. પરંતુ, પીછો કરીને પકડયા બાદ તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા ૪૯ લાખની કિંમતનુ ૪૮૯ ગ્રામ એમ ડી ડ્ગ્સ મળી આવ્યું હતું. પુછપરછ કરતા તેમના નામ પિયુષ પટેલ (રહે. તીરૂપતિ ગોકુલધામ સોસાયટી, મોડાસા) અને સચિનસિંહ પુવાર (રહે. અમરદીપ સોસાયટી, મોડાસા) હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ ત્રિવેદીએ આરોપીઓની પુછપરછ કરતા માહિતી મળી હતી કે પિયુષ પટેલ અને સચિનસિંહને એમ ડી ડ્રગ્સનો ધંધો કરવાનો હોવાથી પિયુષે રાજસ્થાનમાં રહેતા પરિચિત જયેશ પટેલનો કોલ કરીને એમ ડી ડ્રગ્સ મંગાવ્યું હતું. આ ડ્રગ્સ આપવા માટે અલ્પેશ પટેલ નામનો વ્યક્તિ રીંગ રોડ પર આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.