૫૦ લાખના હાઇબ્રીડ ગાંજાના કેસમાં સ્ટેટ ટ્રાફિક પોલીસ કર્મીની સંડોવણી
કોન્સ્ટેબલ થાઇલેન્ડથી ગાંજો લાવ્યો હતો
બંને યુવકોએ અગાઉ પર પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ગાંજો મેળવ્યાની શક્યતાઃ કોન્સ્ટેબલે નેટવર્ક બનાવ્યું હતું
અમદાવાદ,સોમવાર
અમદાવાદ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ રખિયાલમાંથી બે યુવકોને રૂપિયા ૫૦ લાખની કિંમતના ૫૦૦ ગ્રામ જેટલા હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ંબને યુવકોની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સહદેવસિંહ નામના સ્ટેટ ટ્રાફિકમાં નોકરી કરતા કોન્સ્ટેબલ ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે આપ્યો હતો અને તે થાઇલેન્ડથી ગાંજો લાવ્યો હતો. આ અંગે પોલીસ કર્મીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે થોડા દિવસ પહેલા રખિયાલમાં પન્ના એસ્ટેટ ખાતે દરોડો પાડીને પ્રતિક કુમાવત (રહે. વેણુગોપાલ સોસાયટી, નિકોલ) અને રવિ પટેલ (રહે. સરોવર-૫ સોસાયટી, ગંગોત્રી સર્કલ)ને ઝડપીને તેમને રૂપિયા ૫૦ લાખની કિંમતના ૫૦૦ ગ્રામ જેટલા હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા હતા.
આ અંગે વધુ પુુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંનેએ સહદેવસિંહ નામના વ્યક્તિ પાસેથી હાઇબ્રીડ ગાંજો મંગાવ્યો હતો અને તેમના ગ્રાહકોને વેચાણ કરવાના હતા. આ અંગે એસઓજીના એસસીપી બી સી સોંલકીએ જણાવ્યું કે સહદેવસિંહ સ્ટેટ ટ્રાફિકમાં ઇન્ટરસેપ્ટર વાનમાં નોકરી કરતો હતો સહદેવસિંહની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે હાઇબ્રીડ ગાંજો થાઇલેન્ડથી લાવ્યો હતો અને તેણે વેચાણ કરવા માટે રવિ અને પ્રતિકને આપ્યો હતો. બનેને ડ્રગ્સની આદત હોવાથી તેનો ગેરલાભ લઇને તેમની મદદથી હાઇબ્રીડ ગાંજાનો કારોબાર કરતો હતો. આ ઉપરાંત, તેણે ડ્રગ્સ વેચાણનું નેટવર્ક સેટ કર્યાની આશંકાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.