એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો
ક્રાઇમબ્રાંચ એસઓજીની કાર્યવાહી
એજ્યુકેશન ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને ઇ-સીગારેટ વેચાણ કરવામાં આવતી હોવાની શક્યતાને આધારે તપાસ શરૂ
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે પાલડી એનઆઇડી પાસે એક યુવક પાસેથી ૩૦ જેટલી ઇ-સીગારેટ વેપ અને અલગ અલગ ફ્લેવરનો જથ્થો જપ્ત કર્યો હતો. દિલ્હીમાં રહેતા વ્યક્તિએ તેને ઇ-સીગારેટ સપ્લાય કરી હતી અને ઝડપાયેલો યુવક એનઆઇડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેચાણ કરતો હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી ગામીત અને તેમના સ્ટાફે બાતમીના આધારે એનઆઇડી પાસે રાહુલ વૈષ્ણવ (રહે. માતૃ સાનિધ્ય એપાર્ટમેન્ટ, ન્યુ મણીનગર) નામના યુવક રોકીને તેની પાસેથી ઇ-સીગારેટ ૩૦ જેટલા વેપ અને ફ્લેવર્સ મળી આવી હતી. જેની કિંમત આશરે ૭૫ હજાર જેટલી અંદાજવામાં આવી છે. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે દિલ્હીથી તેના મિત્ર ભીમરાજ પુરોહિત પાસેથી મંગાવીને અમદાવાદમાં વિવિધ દુકાનોમાં સપ્લાય કરતો હતો. સાથે સાથે તે એનઆઇડીમાં ઇ-સીગારેટનું વેચાણ કરતો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. જેના આધારે વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.