Gujarat

સોફ્ટવેર એન્જિનિયરને ઘેન યુક્ત પીણું પીવડાવી ૨.૩૨ લાખની મતા પડાવી લીધી

By GS TEAM
1 Jul 20252 mins read
સોફ્ટવેર એન્જિનિયરને ઘેન યુક્ત પીણું  પીવડાવી ૨.૩૨ લાખની મતા પડાવી લીધી

 વડોદરા,વડોદરાથી  પૂના જતા સોફ્ટવેર એન્જિનિયરને  ઘેનયુક્ત પીણું  પીવડાવીને તેની સાથે કારમાં મુસાફરી કરતા આરોપીએ મોબાઇલ, બેગ, પર્સ સહિત કુલ ૨.૩૨ લાખની મતા પડાવી લીધી હતી. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

માંડવી મહેતા પોળમાં રહેતો રાહુલ સુમીરકુમાર ગુપ્તા પૂનાની ડેલોઇટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૪ મી જૂને સવારે પોણા સાત વાગ્યે હું મારી કાર લઇને પૂના જઇ રહ્યો હતો. મુસાફરીમાં કોઇ સાથે  હોય તો સારૃં તેવું વિચારીને મેં પેસેન્જર ફેર એપ પર જાહેરાત આપી હતી. કંપનીએ મને દીપ નામની વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર આપતા મેં દીપનો સંપર્ક કર્યો હતો. હું અને દીપ સવારે ૭ વાગ્યે આજવા ચોકડીથી મુંબઇ જવા રવાના થયા હતા. દીપે મને કહ્યું કે, હું મુંબઇના દાદરમાં ધન્વંતરી હોસ્પિટલમાં એક મિટિંગમાં જઇ રહ્યો છું. અમે સવારે સવા નવ વાગ્યે સુરતથી  થોડે દૂર આવેલ ફાઉન્ટેન હોટલમાં નાસ્તો કરવા રોકાયા હતા. મેં નાસ્તો કર્યો હતો. પરંતુ, દીપે નાસ્તો કર્યો નહતો અને તેણે નાસ્તો પોતાની સાથે લઇ લીધો હતો. બપોરે પોણા બાર વાગ્યે દીપે તેની બેગમાંથી જ્યુસની બે બોટલ કાઢી હતી. તેણે મને ગુલાબી કલરની બોટલ આપી હતી. જ્યારે તે પીળા કલરની બોટલમાંથી જ્યુસ પીતો હતો. થોડીવાર પછી મારી આંખો ભારે થવા લાગતા મને ઊંઘ આવવા લાગી હતી. દીપે મને કહ્યું કે, તમને ઊંઘ આવતી લાગે છે. હું ગાડી ચલાવી લઉં છું. ત્યારબાદ  તેણે કાર ચલાવી લીધી હતી અને હું બાજુની સીટ  પર ઊંઘી ગયો હતો. સાંજે છ વાગ્યે મારી ઊંઘ ઉડી  ત્યારે હું ગાડીમાં એકલો હતો. દીપ દેખાતો નહતો. મારી બેગ, પર્સ, બે મોબાઇલ ફોન અને હાથની સ્માર્ટ વોચ પણ ગાયબ હતા.હું કારમાંથી નીચે ઉતર્યો હતો. પરંતુ, મારાથી બેલેન્સ રહેતું નહતું. ત્યારબાદ મે મારી મિત્ર સોનાલીને ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. મારી મિત્રના બે ઓળખીતા બાઇક લઇને આવ્યા હતા અને મે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. દીપે મારી પાસેથી કુલ ૨.૩૨ લાખની મતા પડાવી લીધી હતી. મહારાષ્ટ્રમાં નોંધાવેલી ફરિયાદ વડોદરા ટ્રાન્સફર થઇને આવતા સિટિ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.