વ્હોટ્સએપ પર લીંક મોકલાવી: સોફ્ટવેર ડેવલોપર યુવતીને જોબની લાલચ આપી રૂ. 2.09 લાખની ઠગાઇ

- કામરેજની યુવતીને ઓનલાઇન શોપીંગ વેબ પર પરચેઝ ઓર્ડર લઇ કેન્સલ કરવાના ટાસ્કનું કહી રોકડ ટ્રાન્સફર કરાવી લીધી
સુરત
કામરેજ વિસ્તારમાં રહેતી સોફ્ટવેર ડેવલોપર યુવતીને વ્હોટ્સઅપ પર બ્રોડકાસ્ટ મેસેજ થકી જોબ અપાવવાની લાલચ આપી ટુક્ડે-ટુક્ડે રૂ. 2.09 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ વિશ્વાસઘાત કરનાર ભેજાબાજ વિરૂધ્ધ સરથાણા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
કામરેજના પાસોદરા સ્થિત જે.બી. ડાયમંડ સ્કૂલ નજીક શ્વેતાપાર્ક સોસાયટીમાં રહેતી સોફ્ટવેર ડેવલોપર ભુમિકા અમીત ત્રાપસિયા (ઉ.વ. 26) પર ગત ઓગસ્ટ મહિનામાં વ્હોટ્સઅપ પર ઓનલાઇન જોબની લીંકનો બ્રોડકાસ્ટ મેસેજ આવ્યો હતો. ભુમિકાએ મેસેજ ઓપન કરતા વેંત મોબાઇલ નંબર ઓટોમેટીક સેવ થઇ ગયો હતો. ભુમિકાએ મેસેજ થકી જોબ અંગે ઇન્કવાયરી કરતા એમોઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટમાં પરચેઝ ઓર્ડર લઇ તે કેન્સલ કરવાના ટાસ્કની પાર્ટ ટાઇમ જોબ હોવાનું જણાવ્યું હતું.

ભુમિકાએ પાર્ટ ટાઇમ જોબ માટે તૈયારી દર્શાવતા ઇન્ડિયાબીટી નામની વેબસાઇટ પર ટુક્ડે-ટુક્ડે કુલ રૂ. 2.09 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ પરત આપવાનો વાયદો કર્યો હતો પરંતુ પરત આપી ન હતી અને વધુ રકમ ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. જેથી પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું ભુમિકાને જણાતા તેણે આ અંગે સરથાણા પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

