- ભૂમાફિયાઓના નામ જાહેર નહીં કરતા કામગીરી સામે સવાલ
- ખાણ ખનીજ વિભાગ ગેરકાયદે ખોદકામની માપણી કરી ભૂમાફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરશે
બગોદરા : ધોલેરાના પીપળી ગામે ગેરકાયદે માટી ખનન પર ત્રાટકેલા ખનીજ વિભાગે માત્ર બે કરોડના વાહનો જપ્ત કરી સંતોષ માની લીધો છે. ખાણ ખનીજ વિભાગ ગેરકાયદે ખોદકામની માપણી કરી ભૂમાફિયાઓને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરશે. બીજી તરફ ભૂમાફિયાઓના નામ જાહેર નહીં કરતા ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠયાં છે.
ધોલેરાના પીપળી ગામે વ્યાપક પ્રમાણમાં ગેરકાયદે માટી ખનન થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ દરોડા પાડતાં સ્થળ પરથી ખનન કાર્ય કરતાં એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પર ઝડપી પાડયા હતા. જપ્ત કરાયેલા આ વાહનોની અંદાજિત કિંમત ૨ કરોડ જેટલી આંકવામાં આવી છે. ખનીજ વિભાગે આ તમામ વાહનો સીઝ કરી ધોલેરા પોલીસ મથકે સોંપ્યા છે.
હવે ખનીજ વિભાગ ગેરકાયદે ખોદકામની માપણી કરશે. કેટલા ટન માટીની ચોરી થઈ છે તેની ગણતરી કર્યા બાદ જવાબદાર ભૂમાફિયાઓને દંડ ફટકારવાની કામગીરી કરશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, સાણંદ, ધોલેરા અને દસક્રોઈ તાલુકામાં રેતી અને માટીનું ગેરકાયદે ખનન માઝા મૂકી રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જે જગ્યા ઉપર દરોડા પાડી ખનન કરતાં વાહનો જપ્ત કરવામાં આવે છે પરંતુ આ ગેરકાયદેસર ખનન કોણ કરી રહ્યું હતું કોણ કરાવી રહ્યું હતું તે મોટા માથાઓના ભૂમિયાઓના નામ બહાર જ આવતા નથી ત્યારે તેમની કામગીરી પર પણ સવાર ઉઠી રહ્યા છે


